27 February, 2023 06:09 PM IST | Iran | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઈરાનમાં (Iran) એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. હકિકતે ઈરાનના એક શહેરમાં છોકરીઓને સ્કૂલ જતી અટકાવવા માટે સેંકડો છોકરીઓને ઝેર આપવાની ઘટના સામે આવી છે. ઈરાનના એક મંત્રીએ આનો ખુલાસો કર્યો છે. મંત્રીએ જણાવ્યું કે ઈરાનના પવિત્ર શહેર કોમ સહિત અનેક જગ્યાએ છોકરીઓની સ્કૂલ બંધ કરાવવા માટે કેટલાક લોકો દ્વારા સેંકડો વિદ્યાર્થિનીઓને ઝેર આપવામાં આવ્યું છે. ઝેર કેમિકલ કંપાઉન્ડ તરીકે આપવામાં આવ્યું અને અત્યાર સુધી આ મામલે કોઈ ધરપકડ થઈ નથી. હાલ કેસની તપાસ થઈ રહી છે.
ગયા વર્ષે નવેમ્બરમાં કોમ શહેરમાં સ્કૂલના વિદ્યાર્થીઓના શરીરમાં ઝેરની પુષ્ઠિ થઈ, જેમાંથી અનેકને હૉસ્પિટલમાં દાખલ કરાવવા પડ્યા. રવિવારે ઈરાનના ડેપ્યુટિ સ્વાસ્થ્ય મંત્રી યૂનુસ પનાહીએ આ ઘટનાની પુષ્ઠિ કરી છે. ઈરાનના સ્થાનિક મીડિયા પ્રમાણે, કોમની સ્કૂલોમાં અનેક વિદ્યાર્થિનીઓને ઝેર આપવામાં આવ્યું. કેટલાક લોકો ઈચ્છતા હતા કે બધી સ્કૂલો ખાસ કરીને છોકરીઓની સ્કૂલો બંધ થઈ જાય. જો કે, ઈરાનના મંત્રી પનાહીએ આ મામલે વધારે માહિતી આપવાની ના પાડી દીધી છે. હાલ ઈરાન સરકાર કેસની તપાસ કરી રહી છે.
મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, ઈરાનના ચાર શહેરોમાં 14 સ્કૂલોમાં ભણતી વિદ્યાર્થિનીઓને ટારગેટ કરવામાં આવી. તેમાં ઉત્તર પશ્ચિમી શહેર આર્દેબિલ, રાજધાની તૈહરાન, પશ્ચિમી શહેર બોરોજર્દ અને કોમ શહેર સામેલ છે. કોમ શહેર ઈરાનનું પવિત્ર શહેર માનવામાં આવે છે અને આ ખૂબ જ રૂઢિવાદી અને ધાર્મિક રીતે કટ્ટર શહેર પણ માનવામાં આવે છે. દેશના મોટાભાગના નેતાઓ અને રાષ્ટ્રપતિઓએ કોમ શહેરમાંથી જ ધાર્મિક શિક્ષણ લીધું છે. સોશિયલ મીડિયા પર અનેક વીડિયો પણ સામે આવ્યા હતા, જેમાં કેટલાક નારાજ પરિવારજનો શિક્ષણ સંસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં આ વર્ષે બૉર્ડના રિઝલ્ટ આવશે મોડા! શિક્ષકોની હડતાળની પડશે અસર
છોકરીઓને ઝેર આપવાની ઘટના એવે સમયે સામે આવી છે, જ્યારે તાજેતરમાં જ ઈરાનમાં હિજાબ વિરોધી હિંસક વિરોધ પ્રદર્શન આખા દેશમાં ફેલાયા હતા અને સંપૂર્ણ વિશ્વમાંથી તેમને સમર્થન મળ્યું હતું. 22 વર્ષીય યુવતી મહસા અમીનીની પોલીસ અટકમાં થયેલી મોત બાદ આ વિરોધ પ્રદર્શન વધારે ઊગ્ર થયા હતા, જેમણે હિંસક સ્વરૂપ લીધું. આ વિરોધ પ્રદર્શનમાં સુરક્ષા દળો દ્વારા કહેવાતી રીતે 500થી વધારે લોકોના મોત થયા હતાં અને ચાર પ્રદર્શનકારીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી. હજારો લોકોને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા.