વિરોધની સજા બ્રેસ્ટ્સ, ચહેરા અને પ્રાઇવેટ પાર્ટ‍્‍સમાં ગોળી

10 December, 2022 07:59 AM IST  |  Tehran | Gujarati Mid-day Correspondent

ઈરાનમાં હેલ્થકૅર પ્રોફેશનલ્સ એવો પણ આરોપ મૂકી રહ્યા છે કે સુરક્ષા દળો ક્લોઝ રેન્જથી પ્રદર્શનકર્તાઓને ગોળી મારી રહ્યાં છે

તેહરાનમાં વિરોધ-પ્રદર્શન કરી રહેલા લોકો, જેમની સામે સુરક્ષા દળો કડક કાર્યવાહી કરી રહ્યાં છે

ઈરાનમાં વધુ એક વખત વિરોધની આગની જ્વાળાઓ ફેલાઈ છે ત્યારે ઈરાનના મેડિકલ પ્રોફેશનલ્સે ચોંકાવનારી હકીકત જણાવી છે. ઈરાનનાં સુરક્ષા દળો મહિલા-પ્રદર્શનકારોની સુંદરતાનો નાશ કરવાના ઇરાદાથી તેમનાં ચહેરા, બ્રેસ્ટ્સ અને પ્રાઇવેટ બૉડી પાર્ટ્સ પર ગોળી મારી રહ્યાં છે.

ડૉક્ટર્સ અને નર્સિસ આવી મહિલાઓની સીક્રેટલી સારવાર કરી રહ્યાં છે. આ મહિલાઓને ઈજા થવાના કારણે વજાઇનલ ઇન્ફેક્શનનું ગંભીર જોખમ છે અને તેમને કાયમી નુકસાન રહે એવી પણ શક્યતા છે.

નામ ન આપવાની શરતે ઈરાનના હેલ્થકૅર પ્રોફેશનલ્સે યુકેના એક ન્યુઝ પેપરને જણાવ્યું હતું કે ઈરાનનાં સુરક્ષા દળો પુરુષ-પ્રદર્શનકારોની સરખામણીમાં મહિલા-પ્રદર્શનકારોને અલગ રીતે ઇન્જર્ડ કરી રહ્યાં છે. પુરુષોને સામાન્ય રીતે પગ કે પીઠમાં ગોળી મારવામાં આવે છે. જોકે મહિલાઓની વાત આવે છે ત્યારે સુરક્ષા દળો તોફાનીઓને કન્ટ્રોલ કરવા માટેની રીતોની અવગણના કરી રહ્યાં છે અને મહિલાઓના પ્રાઇવેટ પાર્ટ્સ પર ગોળી મારી રહ્યાં છે.

કરજના એક ડૉક્ટરે કહ્યું હતું કે સુરક્ષા દળો મહિલાઓને ચહેરા અને પ્રાઇવેટ બૉડી પાર્ટ્સ પર ગોળી મારી રહ્યાં છે, કેમ કે તેઓ લઘુતાગ્રંથિથી પીડાઈ રહ્યાં છે.

મધ્ય ઈરાનના ઇસફાહન પ્રોવિન્સના અન્ય એક ફિઝિશ્યને કહ્યું કે તેઓ આ મહિલાઓની સુંદરતાને ખરાબ કરવા ઇચ્છે છે. મેં ૨૦ વર્ષની આસપાસની એક યુવતીની સારવાર કરી છે કે જેના પ્રાઇવેટ પાર્ટમાં બે ગોળી મારવામાં આવી હતી.

આ હેલ્થકૅર પ્રોફેશનલ્સ એવો પણ આરોપ મૂકી રહ્યા છે કે સુરક્ષા દળો ક્લોઝ રેન્જથી ગોળી મારી રહ્યાં છે. સેંકડો પ્રદર્શનકારોને આંખ, માથા અને ચહેરા પર પણ ગોળી મારવામાં આવી છે.

ઑરલ અને ફેશ્યલ સર્જ્યન લેઇન હટશિસને કહ્યું હતું કે પ્રદર્શનકારોને ખૂબ જ નજીકથી આંખમાં ગોળી મારવામાં આવી છે, જેના લીધે તેઓની આંખને કાયમ માટે નુકસાન થયું છે અને તેમણે દૃષ્ટિ ગુમાવી છે. જે રીતે ગોળી મારવામાં આવી છે એ જોતાં જણાય છે કે પ્રદર્શનકારો બિલકુલ હલી શકવાની સ્થિતિમાં નહોતા.

તેહરાનમાં ઈરાનની મૉરૅલિટી પોલીસ દ્વારા મહસા અમિની નામની એક યુવતીની ધરપકડ બાદ તેના મોત પછી લગભગ ત્રણ મહિનાથી ઈરાનમાં વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે.

ઈરાનના ૪૦૦થી વધુ ઑફ્થૅલ્મોલૉજિસ્ટ્સે એક લેટર પર સાઇન કરીને જણાવ્યું છે કે સુરક્ષા દળો ઇરાદાપૂર્વક પ્રદર્શનકારોને બ્લાઇન્ડ કરી રહ્યાં છે.

પ્રદર્શન બદલ ફાંસી આપવામાં આવી

ઈરાનમાં વિરોધ-પ્રદર્શનના કારણે ગુરુવારે પહેલી વખત ફાંસી આપવામાં આવી હતી. એક સ્ટ્રીટને બ્લૉક કરવા અને એક સુરક્ષા જવાનને ઈજા પહોંચાડવા બદલ મોહસેન શેકરી નામના યંગસ્ટરને દોષી ગણીને તેને ફાંસીની સજા આપવામાં આવી હતી. માનવાધિકારો માટે લડત લડતાં સંગઠનોનું કહેવું છે કે ઈરાનમાં વધુ લોકોને ફાંસી આપવામાં આવશે.

iran