ઈરાનના મિસાઇલ હુમલા બાદ ફુલ-સ્કેલ વૉરની આશંકાના સંકેત

03 October, 2024 08:31 AM IST  |  Israel | Gujarati Mid-day Correspondent

ઈરાન અને ઇઝરાયલની એકબીજાને ધમકી, યુદ્ધ વણસી શકે એવા ભણકારા

લેબૅનના ખિઆમ નામના ગામમાં ઇઝરાયલે કરેલી ઍર-સ્ટ્રાઇકે વેરેલો વિનાશ.

ઈરાને મંગળવારે ઇઝરાયલ પર બૅલેસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યા બાદ બેઉ દેશોએ જે રીતની ધમકીભરી ભાષા ઉચ્ચારી છે એ જોતાં આ વિસ્તારમાં ફુલ-સ્કેલ યુદ્ધની શક્યતા નકારવામાં આવતી નથી. આ હુમલાનો બદલો વાળવામાં આવશે એવી ભાષાનો ઉચ્ચાર ઇઝરાયલે કર્યો છે. ઈરાનના હુમલા બાદ અમેરિકાએ ઇઝરાયલને વધારે મિલિટરી અસિસ્ટન્સ મોકલ્યું હોવાથી મોટું યુદ્ધ થાય એવા ભણકારા વાગી રહ્યા છે.

હમાસ અને હિઝબુલ્લાના ચીફના ખાતમા બાદ ઈરાને ઇઝરાયલના મુખ્ય શહેર તેલ અવિવમાં ૨૦૦ મિસાઇલથી હુમલો કર્યો હતો. આ મુદ્દે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તાએ કહ્યું હતું કે ઈરાનને યોગ્ય સમયે એનો ઉત્તર આપવામાં આવશે.

બદલો પિન-પૉઇન્ટેડ અને વ્યૂહાત્મક રહેશે

ઇઝરાયલ એમ્બેસીના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘જો આયોતાલ્લા ખામેની ઇઝરાયલ સામે ફુલ-સ્કેલ યુદ્ધ કરશે તો એ ઈરાનની સૌથી મોટી ભૂલ હશે. ઈરાનના મિસાઇલ-અટૅકનો બદલો પિન-પૉઇન્ટેડ અને વ્યૂહાત્મક હશે. જો કોઈ દેશ ઈરાનની સાથે જોડાવાની ઇચ્છા રાખતું હોય તો એવી ભૂલ ન કરે, કારણ કે એ તેમના માટે પણ વિધ્વંસક બની રહેશે.’

ઈરાને સૌથી મોટી ભૂલ કરી - નેતન્યાહુ

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગઈ કાલે કહ્યું હતું કે ‘ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ-હુમલો કરીને એના જીવનની સૌથી મોટી ભૂલ કરી છે, એના માટે તેણે ઘણી મોટી કિંમત ચૂકવવી પડશે. અમારા પર જે હુમલો કરશે એના પર અમે હુમલો કરીશું. હમાસ અને હિઝબુલ્લા જેવાં આતંકવાદી સંગઠનો સાથે જે થયું એવું ઈરાન સાથે થશે.’

લેબૅનનમાં એક ઇઝરાયલી સૈનિકનું મોત

ઇઝરાયલનાં લશ્કરી દળો લેબૅનનમાં ઘૂસીને હિઝબુલ્લાના લડાકુઓ સામે લડી રહ્યાં છે. જોકે આ લિમિટેડ ગ્રાઉન્ડ ઑપરેશન્સ છે. લેબૅનનમાં બાવીસ વર્ષના ઇઝરાયલી સૈનિક કૅપ્ટન ઇટાન ઇટઝૅકનું મૃત્યુ થયું છે. જોકે હિઝબુલ્લાના ઘણા લડાકુઓને ઇઝરાયલી સેનાએ મારી નાખ્યા હતા. બીજી તરફ ઇઝરાયલે ગાઝામાં કરેલાં ગ્રાઉન્ડ અને ઍર ઑપરેશન્સમાં મહિલાઓ અને બાળકો સહિત ૫૧ પૅલેસ્ટીનનાં મૃત્યુ થયાં હતાં.

અમારા હુમલા પૂરા થયા - ઈરાન

ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાકચીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘મંગળવારના મિસાઇલ-હુમલા સાથે અમારા હુમલા પૂરા થયા છે. જો ઇઝરાયલ કે તેના સાથીઓ આ હુમલાનો પ્રત્યુત્તર આપશે તો એનો વધારે મજબૂતીથી અને પાવરફુલ વળતો જવાબ આપવામાં આવશે. આ હુમલા અમારા બચાવમાં હતા અને એમાં અમે ઇઝરાયલની મિલિટરી ફૅસિલિટીને લક્ષ્ય બનાવી હતી. ઇઝરાયલની ત્રણ મિલિટરી સાઇટ્સને ટાર્ગેટ કરવામાં આવી હતી. હિઝબુલ્લાના ટૉપ કમાન્ડર હસન નસરુલ્લાહ અને હમાસના ટૉપ કમાન્ડર ઇસ્માઇલ હાનિયેના ખાતમા બાદ એનો બદલો લેવા માટે ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો હતો.’

ઈરાનના હુમલામાં એકનું મૃત્યુ

ઈરાને ૨૦૦ મિસાઇલથી અટૅક કર્યો એમાં ૧૮૦ને હવામાં જ ઉડાવી દેવામાં આવી હતી. ઇઝરાયલના એક પણ માણસને હાનિ થઈ નથી, પૅલેસ્ટીનમાં એક માણસનું મૃત્યુ થયું હતું.

સાયરનો ગુંજી ઊઠી

ઈરાને હુમલો કર્યો એમાં આખા દેશમાં ઍર રેઇડ સાયરનો ગૂંજી ઊઠી હતી અને નાગરિકોને શેલ્ટરોમાં જતાં રહેવાની ફરજ પડી હતી. સેન્ટ્રલ ઇઝરાયલમાં એક રેસ્ટોરાં અને એક સ્કૂલમાં મિસાઇલ પડી હતી પણ કોઈ જાનહાનિ થઈ નહોતી.

તેલ અવિવમાં શૂટિંગ, ૭ જણનાં મૃત્યુ

ઇઝરાયલી પોલીસે જણાવ્યું હતું કે સોમવારે રાત્રે એક શૂટિંગની ઘટનામાં ગ્રીસના એક નાગરિક સહિત ૭ લોકોનાં મૃત્યુ થયાં હતાં. વેસ્ટ બૅન્કના હેબ્રોન શહેરના બે પૅલેસ્ટીન નાગરિકોએ જાફા વિસ્તારમાં ટ્રેન સ્ટેશન પર ઊભી હતી ત્યારે રેલવે ડબ્બા પર ગોળીબાર કર્યો હતો.

ડેન્માર્કમાં ઇઝરાયલી એમ્બેસી સામે ધડાકો, ત્રણની ધરપકડ
કોપનહેગનમાં ઇઝરાયલી એમ્બેસી સામે ગઈ કાલે બે ધડાકા થયા હતા અને આ કેસમાં ડેનિસ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

UNના મહામંત્રીને ઇઝરાયલમાં નો એન્ટ્રી, જર્મનીએ કરી ઇઝરાયલની ટીકા
ઇઝરાયલ અને યુનાઇટેડ નેશન્સ વચ્ચેના સંબંધો વકર્યા હોવાથી ઇઝરાયલે યુનાઇટેડ નેશન્સના મહામંત્રી એન્ટોનિયો ગુટેરસની ઇઝરાયલમાં એન્ટ્રી નકારી દીધી હતી. ઇઝરાયલના વિદેશપ્રધાને તેમના પર ઇઝરાયલ સાથે ભેદભાવ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે જર્મનીએ આ નિર્ણયની આકરી ટીકા કરી હતી. જર્મની ઇઝરાયલનું સાથીદાર છે પણ તેનું માનવું છે કે કોઈ પણ કેસમાં છેલ્લે વાતચીતથી જ સમાધાન નીકળે છે એથી ઇઝરાયલે આમ કરવાની જરૂર નહોતી.

ઇઝરાયલે કેવી રીતે ભેદી ઈરાનની બૅલેસ્ટિક મિસાઇલો?
ઇઝરાયલની આયર્ન ડોમ ઍર ડિફેન્સ સિસ્ટમ શૉર્ટ રેન્જથી રૉકેટ દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોને આંતરીને હવામાં જ તોડી પાડી શકે છે પણ મંગળવારે ઈરાને બૅલેસ્ટિક મિસાઇલો છોડી હતી જે ઘણી ઊંચાઈ પરથી છોડવામાં આવી હતી. આથી ઇઝરાયલને ડેવિડ્સ સ્લિંગ અને ઍરો ટૂ અને થ્રી સિસ્ટમને સક્રીય કરવી પડી હતી. મિડ રેન્જની ડેવિડ્સ સ્લિંગ સિસ્ટમ ૧૦૦થી ૨૦૦ કિલોમીટર દૂરથી આવતી બૅલેસ્ટિક મિસાઇલો તોડી પાડવામાં સક્ષમ છે. આ સિસ્ટમ ઇઝરાયલની રાફેલ ઍડ્વાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમ્સ અને અમેરિકાની RTX કૉર્પોરેશન દ્વારા વિકસાવવામાં આવી છે. એ ઍરક્રાફ્ટ, ડ્રૉન અને ક્રૂઝ મિસાઇલો તોડી પાડવા સક્ષમ છે. ઍરો ટૂ અને ઍરો થ્રી સિસ્ટમ પણ ઇઝરાયલે વિકસાવી છે અને એ ઈરાનની મિસાઇલોને ધ્યાનમાં રાખીને જ વિકસાવવામાં આવી છે. ઇઝરાયલ ઍરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ સિવાય બોઇંગ કૉર્પોરેશનની પણ મદદ લેવામાં આવી છે.

 

international news world news israel iran denmark