PoKમાં ચોથા દિવસે પણ આંદોલન ચાલુ મોબાઇલ-ઇન્ટરનેટ સેવા બંધ

14 May, 2024 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોંઘવારી, બેરોજગારી, વીજળી, ટૅક્સ તથા ઘઉંના લોટ પરની સબસિડી હટાવવાના નિર્ણયના વિરોધમાં લોકો આંદોલન કરી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર (PoK)માં સોમવારે સતત ચોથા દિવસે સરકારવિરોધી આંદોલન ચાલુ રહ્યું હતું. મોંઘવારી, બેરોજગારી, વીજળી, ટૅક્સ તથા ઘઉંના લોટ પરની સબસિડી હટાવવાના નિર્ણયના વિરોધમાં લોકો આંદોલન કરી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો આઝાદીના નારા સાથે રસ્તા પર ઊતરી આવ્યા છે. PoKની સરકારે હિંસા પર નિયંત્રણ માટે મોબાઇલ તથા ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. આ આંદોલન જમ્મુ-કાશ્મીર જૉઇન્ટ અવામી ઍક્શન કમિટી (JAAC)ના બૅનર હેઠળ થઈ રહ્યું છે. હિંસામાં એક પોલીસ અધિકારીના મોત બાદ સ્થિતિ વણસી હતી. JAACના સભ્યોમાં નાના વેપારીઓ સહિત સામાન્ય લોકો સામેલ છે. JAACના પ્રવક્તા હાફિઝ હમદાનીએ સરકાર તરફી લોકો દ્વારા જાણીજોઈને હિંસા ભડકાવવામાં આવી રહી હોવાનો દાવો કર્યો હતો. 

PoKના લોકો પાકિસ્તાનથી કેમ નારાજ?

પાકિસ્તાનને મળતી ૨૦ ટકા વીજળી PoKના મંગલા ડૅમમાં પેદા થાય છે, છતાં PoKને એની જરૂરિયાતની ૩૦ ટકા વીજળી જ મળતી હોવાથી લોકોમાં અસંતોષ છે.
૭૦ વર્ષ પછી પણ PoKમાં રસ્તા, પુલ કે સ્કૂલ-હૉસ્પિટલ જેવી પાયાની જરૂરિયાતો નથી. જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પાકિસ્તાની સૈન્ય માટે બનાવવામાં આવ્યું છે.
આખું પાકિસ્તાન મોંઘવારીથી ત્રસ્ત છે, પણ PoKમાં સ્થિતિ વધારે વણસી છે. સરકાર તરફથી કોઈ રાહત નહીં મળતાં તથા જીવનજરૂરી ચીજવસ્તુઓ પર સબસિડી નહીં હોવાથી ભાવ આસમાનને આંબી ગયા છે. 
પાકિસ્તાનની સરકાર PoKનો ઉપયોગ માત્ર ભારત વિરુદ્ધ આતંકવાદને પોષવા માટે કરે છે. પાકિસ્તાન માટે લડતાં PoKના લોકોનું મોત થાય કે ઘાયલ થાય તો વળતર અપાતું નથી.
પાકિસ્તાન PoKને આઝાદ કાશ્મીર કહે છે. અહીં અલગ વડા પ્રધાન, રાષ્ટ્રપતિ છે. હાલના વડા પ્રધાન ચૌધરી અનવરઉલ હકને લોકો પાકિસ્તાન સરકારની કઠપૂતળી માને છે. 

national news Pakistan occupied Kashmir Pok pakistan international news