12 June, 2023 10:30 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ઇન્ડિગો ઍરલાઇન્સની અમ્રિતસરથી અમદાવાદ માટેની એક ફ્લાઇટ ખરાબ હવામાનના કારણે ભટકીને પાકિસ્તાનના લાહોર પાસે જતી રહી અને છેક ગુજરાનવાલા સુધી પહોંચી ગઈ હતી. જોકે આખરે કોઈ દુર્ઘટના વિના એ ઇન્ડિયન ઍરસ્પેસમાં પાછી ફરી હતી. ફ્લાઇટ રડાર અનુસાર ઇન્ડિયન પ્લેન શનિવારે સાંજે સાડાસાત વાગ્યાની આસપાસ લાહોરની ઉત્તરમાં ૪૫૪ નોટ્સની સ્પીડથી એન્ટર થયું હતું અને રાત્રે ૮.૦૧ વાગ્યે ભારતમાં પાછું ફર્યું હતું. આ ઍરલાઇન તરફથી કોઈ કમેન્ટ કરવામાં આવી નથી. સિવિલ એવિયેશન ઑથોરિટીના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના અસામાન્ય નથી, કેમ કે ખરાબ હવામાનની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય રીતે એના માટે છૂટ છે. આ પહેલાં મે મહિનામાં પાકિસ્તાન ઇન્ટરનૅશનલ ઍરલાઇન્સની એક ફ્લાઇટ પાકિસ્તાનમાં ભારે વરસાદના કારણે ઇન્ડિયન ઍરસ્પેસમાં પ્રવેશી હતી અને લગભગ દસ મિનિટ સુધી ત્યાં રહી હતી.