20 March, 2023 11:55 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા હવે દેશની સીમાઓ વટાવી ગઈ છે. અમેરિકા સ્થિત વ્યૂહાત્મક બાબતોના મૅગેઝિન ‘ધ ડિપ્લોમૅટ’માં પ્રકાશિત એક લેખમાં એના વિશે આશ્ચર્યજનક હકીકત જણાવવામાં આવી છે. આ લેખ અનુસાર ચાઇનીઝ નાગરિકો અહોભાવથી પીએમ મોદીને ‘મોદી લાઓશિયાન’ એટલે કે ‘મોદી અમર’ તરીકે બોલાવી રહ્યા છે. ચીનમાં કોઈ ઇન્ટરનૅશનલ લીડર માટે આ પ્રકારનો અહોભાવ ભાગ્યે જ જોવા મળે છે.
ચીનમાં ભારતને કઈ દૃષ્ટિથી જોવામાં આવે છે? એના વિશેના આર્ટિકલમાં ચાઇનીઝ સોશ્યલ મીડિયા, ખાસ કરીને સિના વીબો (જેને ચીનનું ટ્વિટર કહેવામાં આવે છે)ના ઍનૅલિસિસ માટે જાણીતા પત્રકાર મૂ ચુનશૅને એમ પણ જણાવ્યું છે કે ચીનમાં મોટા ભાગના લોકો ફીલ કરે છે કે મોદીની આગેવાનીવાળું ભારત દુનિયામાં મહાસત્તાઓ વચ્ચે સંતુલન બનાવી શકે છે. સિનો વીબોના ૫૮.૨૦ કરોડ ઍક્ટિવ યુઝર્સ છે.
તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ચાઇનીઝ ઇન્ટરનેટ પર અસામાન્ય ઉપનામ ‘મોદી લાઓશિયાન’ છે. લાઓશિયાનનો અર્થ થાય છે કેટલીક વિશેષ ક્ષમતા ધરાવતી એક વૃદ્ધ અમર વ્યક્તિ. આ ઉપનામ સૂચવે છે કે ચીનના નાગરિકો વિચારે છે કે મોદી અલગ છે. એટલું જ નહીં, અન્ય નેતાઓ કરતાં વધુ અમેઝિંગ છે.’
ચીનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકો વિચારે છે કે બીજા લોકોની સરખામણીમાં મોદી કંઈક અલગ છે. મ્યૂ ચુનશૅને લખ્યું છે કે ચીનના લોકો મોદીની ડ્રેસિંગ સેન્સ અને ફિઝિકલ અપીરન્સ બન્નેની તરફ ઇશારો કરે છે અને તેમની કેટલીક નીતિઓ ભારતની આ પહેલાંની નીતિઓ કરતાં અલગ માને છે.