પત્ની-બાળકો સહિતની કારને ખીણમાં ગબડાવી દેનાર અમેરિકન ગુજરાતીને જેલ નહીં થાય

28 June, 2024 02:42 PM IST  |  California | Gujarati Mid-day Correspondent

ધર્મેશ પટેલને માનસિક બીમારી હોવાનું બહાર આવ્યું, માતાપિતા સાથે રહેવા મોકલીને તેની સારવાર થશે

૭ અને ૪ વર્ષનાં બે બાળકો સાથે ખડક પરથી ટેસ્લા કારને ૨૫૦ ફુટ ઊંડી ખીણમાં નાખી દીધી હતી

અમેરિકામાં પોતાની પત્ની અને બે બાળકો સાથે કારને ઊંડી ખીણમાં નાખી દેનારા ધર્મેશ પટેલને હાલ જેલની સજા નહીં થાય. ભારતીય મૂળના અને કૅલિફૉર્નિયામાં રેડિયોલૉજિસ્ટ ધર્મેશ પટેલને માનસિક બીમારી હોવાનું સામે આવ્યું છે અને તેમને આ માટે સારવાર આપવામાં આવશે. ૨૦૨૩માં ધર્મેશ પટેલે માનસિક સમસ્યાને કારણે તેમની પત્ની નેહા, ૭ અને ૪ વર્ષનાં બે બાળકો સાથે ખડક પરથી ટેસ્લા કારને ૨૫૦ ફુટ ઊંડી ખીણમાં નાખી દીધી હતી. આ દુર્ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો હતો. નેહા પટેલે કબૂલ્યું હતું કે તેના પતિએ ઇરાદાપૂર્વક કારને ખીણમાં નાખી હતી, પરંતુ તે ડિપ્રેશનમાં હતો અને તે કોઈ કાર્યવાહી કરવા માગતી નથી.

એક સાઇકોલૉજિસ્ટે કોર્ટને જણાવ્યું હતું કે ‘ધર્મેશ પટેલ સ્કિઝોઅફેક્ટિવ ડિસઑર્ડર અને મેજર ડિપ્રેસિવ ડિસઑર્ડરથી પીડિત હતા. તેમને આ દુર્ઘટના પહેલાં એવો ભ્રમ હતો કે કોઈ તેમનો પીછો કરી રહ્યું છે. તેમને એવો ડર પણ હતો કે તેમનાં બાળકોને કોઈ કિડનૅપ કરી લેશે અને તેમનું જાતીય શોષણ કરશે. પરિણામે તેમણે પરિવારના રક્ષણ માટે કારને ખીણમાં નાખી હતી.’ ડૉક્ટરના નિદાન બાદ કોર્ટે ધર્મેશ પટેલના મેન્ટલ હેલ્થ પ્રોગ્રામને મંજૂરી આપીને તેને કૅલિફૉર્નિયામાં માતા-પિતા પાસે મૂકવાનો આદેશ આપ્યો હતો. ધર્મેશ પટેલ પર GPS વડે દેખરેખ રાખવામાં આવશે અને અઠવાડિયામાં એક વાર કોર્ટને રિપોર્ટ કરવો પડશે. તેઓ દેશની બહાર નહીં જઈ શકે અને તેમને ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ સરેન્ડર કરવાં પડશે. હવે આ કેસની આગામી સુનાવણી પહેલી જુલાઈએ થશે.

united states of america Crime News international news