25 May, 2023 11:50 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકામાં ૧૯ વર્ષના એક મૂળ ભારતીય વ્યક્તિ પર વાઇટ હાઉસના બૅરિયરની સાથે ઇરાદાપૂર્વક એક ટ્રકને ટકરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે વાઇટ હાઉસમાં જઈને ‘સત્તા મેળવવા માગતો હતો’ અને અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડનની હત્યા કરવા ઇચ્છતો હતો. ૧૯ વર્ષના સાઈ વરશિષ્ઠ કંદુલા નામના આ વ્યક્તિએ તેની ધરપકડ પછી તપાસ અધિકારીઓ સમક્ષ ઍડૉલ્ફ હિટલરની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે તે પ્રેસિડન્ટની હત્યા કરવા ઇચ્છે છે અને જો જરૂર પડશે તો તે પોતે સત્તા પર બેસશે. તે અત્યારે કસ્ટડીમાં છે. ફેડરલ કોર્ટમાં તેના પર માત્ર અમેરિકાની પ્રૉપર્ટીને નુકસાન પહોંચાડવાનો જ આરોપ મૂકવામાં આવ્યો છે. યુએસ પાર્ક પોલીસે શરૂઆતમાં અનેક આરોપસર કંડુલાની ધરપકડ કરી હતી, જેમાં પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ કે ફૅમિલી મેમ્બરને મારી નાખવાની કે નુકસાન પહોંચાડવાની ધમકીનો આરોપ સામેલ હતો. જોકે એ શક્ય છે કે ફરિયાદ પક્ષ કેસ જેમ-જેમ આગળ વધે એમ વધારાના આરોપો ઘડી શકે છે. અધિકારીઓ એ એંગલથી પણ વિચાર કરી રહ્યા છે કે તે કદાચ માનસિક રીતે અસ્વસ્થ હોઈ શકે છે.