ગુજરાતી ‘ડર્ટી હૅરી’ની શિકાગોમાં થઈ ધરપકડ

27 February, 2024 09:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અલગ-અલગ નામે અમેરિકામાં રહેતો હર્ષ પટેલ ભારતીયોની અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવતા ગ્રુપનો ભાગ હતો: ડિંગુચાના પરિવારને પણ તેણે જ મોતના રસ્તે છોડ્યો હતો

બે વર્ષ પહેલાં મૃત્યુ પામેલ ગુજરાતી પરિવાર

કૅનેડા-અમેરિકા બૉર્ડર પર બે વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ગુજરાતી પરિવારની ગેરકાયદે ઘૂસણખોરીના મામલે ભારતીય મૂળની એક વ્યક્તિની યુએસથી ધરપકડ કરવામાં આવી છે. ભારતીયોની અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવતો હર્ષ પટેલ જે ડર્ટી હૅરી, પરમ સિંહ અને હરેશ રમેશલાલ પટેલ તરીકે પણ ઓળખાય છે, તેની શિકાગો ઍરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર કસીનો ચલાવતો પટેલ એક ઑર્ગેનાઇઝ્ડ્ હ્યુમન સ્મગલિંગ ગ્રુપનો ભાગ હતો જે ભારતીય નાગરિકોને ગેરકાયદે યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ અપાવતું હતું. કોર્ટના દસ્તાવેજો મુજબ હર્ષ પટેલે ફ્લોરિડાના કથિત સ્મગલર સ્ટીવ શૅન્ડને હાયર કર્યો હતો, જેની ૨૦૨૨માં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ-ફરિયાદમાં હર્ષ પટેલ અને શૅન્ડ વચ્ચેની વાતચીત પણ નોંધવામાં આવી છે, જેમાં પટેલ રેન્ટલ કાર, હોટેલ અને શૅન્ડના પેમેન્ટ વિશે વાત કરી કર્યો છે. એક મેસેજમાં પટેલે શૅન્ડને બૉર્ડર ક્રૉસ કરતી દરેક વ્યક્તિ ઠંડીથી બચવા પૂરતાં ગરમ કપડાં પહેરે એની ખાતરી કરવા પણ જણાવ્યું હતું.

શૅન્ડે ડિસેમ્બર ૨૦૨૧ અને જાન્યુઆરી ૨૦૨૨ વચ્ચે મિનેસોટામાં ઇન્ટરનૅશનલ બૉર્ડર પર ભારતીય નાગરિકોને ટ્રાન્સપોર્ટ કરવા માટે કુલ પાંચ ટ્રિપ કરી હતી. એમાં ૧૯ જાન્યુઆરી, ૨૦૨૨ની ટ્રિપનો પણ સમાવેશ થાય છે, જેમાં ગુજરાતના ડિંગુચાનો પરિવાર ઘૂસણખોરી વખતે મૃત્યુ પામ્યો હતો અને શૅન્ડની ધરપકડ થઈ હતી. જગદીશ બલદેવભાઈ પટેલ, તેમનાં પત્ની વૈશાલીબેન જગદીશકુમાર પટેલ અને તેમનાં બાળકો વિહાંગી અને ધાર્મિક ૧૯ જાન્યુઆરીએ મેનિટોબાના ઇમર્સન પાસે થીજી ગયેલી હાલતમાં મળી આવ્યાં હતાં.

પટેલ પરિવાર ૧૨ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ ટૉરન્ટો પહોંચ્યો હતો અને ત્યાર બાદ મેનિટોબા અને આખરે ઇમર્સન સુધી પહોંચ્યો હતો. જોકે અત્યંત ઠંડા હવામાનને કારણે તેઓ સરહદ નજીક મૃત્યુ પામ્યાં હતાં. પોલીસે અગાઉ જણાવ્યું હતું કે કૅનેડા બાજુની બૉર્ડર પર કોઈ વેહિકલ દેખાયું નહોતું, જે સૂચવે છે કે કોઈ વ્યક્તિ પરિવારને સરહદ પર મૂકીને જતી રહી હતી. ત્યાર બાદ તેઓ પોતાના ગ્રુપથી અલગ પડી ગયાં હતાં. નોંધનીય વાત એ છે કે જગદીશ પટેલને બીજા એક એજન્ટે થોડા વધારે પૈસા આપીને બૉર્ડર ક્રૉસ કરાવી દેવા કહ્યું હતું, પણ પૈસા બચાવવાના ચક્કરમાં તેમનો જીવ ગયો હતો. 

international news chicago united states of america national news