ભારતીય મૂળના કૅનેડિયન સંસદસભ્ય ચંદ્ર આર્યએ જ​સ્ટિન ટ્રુડોના સ્થાને વડા પ્રધાન બનવાનો દાવો કર્યો

14 January, 2025 08:19 PM IST  |  Ottawa | Gujarati Mid-day Correspondent

તેઓ કૅનેડામાં છે હિન્દુઓનો અવાજ : ખાલિસ્તાની ગતિવિધિઓના પ્રખર વિરોધી હોવાથી તેમણે ટ્રુડોનો સાથ છોડી દીધો હતો

ચંદ્ર આર્ય

કૅનેડામાં વડા પ્રધાનપદની રેસમાં ભારતીય મૂળના કૅનેડિયન સંસદસભ્ય ચંદ્ર આર્યે ઝુકાવી દીધું છે. ૯ જાન્યુઆરીએ તેમણે આ પદ પર દાવો ઠોકતાં સોશ્યલ મીડિયામાં ૨.૩૬ મિનિટનો એક વિડિયો પણ પોસ્ટ કર્યો હતો.

ચંદ્ર આર્ય કૅનેડામાં હિન્દુઓનો અવાજ માનવામાં આવે છે. તેઓ ખાલિસ્તાની ગતિવિધિઓના પ્રખર વિરોધી છે. એક સમયે તેઓ ટ્રુડોના નજીકના સાથી હતા, પણ ટ્રુડોએ ખાલિસ્તાની તત્ત્વોને સાથ આપતાં તેઓ તેમના વિરોધી બની ગયા હતા.

જ​સ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યા બાદ ચંદ્ર આર્યે એક નિવેદનમાં કૅનેડાના વડા પ્રધાન બનવાની ઇચ્છા જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘હું કૅનેડાના આગામી વડા પ્રધાન બનવાની રેસમાં છું, જેથી દેશના પુનર્નિર્માણ અને ભાવી પેઢી માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે કુશળ સરકારનું નેતૃત્વ કરી શકું. મેં હંમેશાં કૅનેડાના લોકો માટે મહેનત કરી છે. આપણે એવી સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ જે દેશની ઘણી પેઢીઓએ કદી જોઈ નથી. એનો ઉકેલ લાવવા માટે દેશને મજબૂત અને કઠોર નિર્ણયો લેવાની જરૂર પડશે.’

ચંદ્ર આર્યએ જાહેર કર્યું હતું કે તેઓ કૅનેડાને આર્થિક મુશ્કેલીમાંથી બહાર કાઢશે અને હાઉસિંગની સમસ્યાને દૂર કરશે. આગામી પચીસ વર્ષમાં કૅનેડાને પાંચ ટ્રિલ્યન ડૉલરની ઇકૉનૉમી બનાવવાનું તેમણે વચન આપ્યું છે.

ટૉરોન્ટોના બ્રેમ્પટન ઉપનગરમાં ગયા નવેમ્બર મહિનામાં જ્યારે ખાલિસ્તાનીઓએ હિન્દુ સેવા મંદિર પર હુમલો કર્યો ત્યારે ચંદ્ર આર્યએ હિન્દુઓનો અવાજ બનીને આ ઘટનાનો વિરોધ કર્યો હતો અને ખાલિસ્તાની તત્ત્વોની ઝાટકણી કાઢી હતી.

કોણ છે ચંદ્ર આર્ય?
ચંદ્ર આર્યનો જન્મ ભારતમાં કર્ણાટકના ટુમકુર જિલ્લામાં થયો હતો. ધારવાડની કૌસાલી ઇન્સ્ટિટ્યૂટમાંથી માસ્ટર્સ ઇન બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન (MBA)ની ડિગ્રી લીધા બાદ તેઓ ૨૦૦૬માં પત્ની અને પુત્ર સાથે કૅનેડા જતા રહ્યા હતા. શરૂમાં એન્જિનિયર તરીકે નોકરી કર્યા બાદ તેઓ બૅન્કમાં ઇન્વેસ્ટમેન્ટ ઍડ્વાઇઝર બન્યા હતા. તેઓ ઇન્ડો-ઓટ્ટાવા બિઝનેસ ચેમ્બરના અધ્યક્ષ રહ્યા છે. ૨૦૧૬માં તેમણે કૅનેડાના નેપિયન મત વિસ્તારમાં ચૂંટણી લડીને સંસદસભ્ય બન્યા હતા.

લિબરલ પાર્ટી ૯ માર્ચે નવા નેતાની પસંદગી કરશે
લિબરલ પાર્ટીએ જાહેરાત કરી હતી કે તેઓ ૯ માર્ચે નવા પાર્ટી-લીડરની જાહેરાત કરશે. ટ્રુડોની લિબરલ પાર્ટી આ વખતે યોજાનારી ચૂંટણી હારી જાય એવી શક્યતા છે. વિપક્ષની કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયર પૉલિવેરની પાર્ટી ચૂંટણીમાં જીત મેળવે એવી શક્યતા છે. 

canada political news justin trudeau news international news world news