04 May, 2023 11:41 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
અજય બંગા
ભારતીય-અમેરિકન બિઝનેસ લીડર અજય બંગાની ગઈ કાલે વર્લ્ડ બૅન્કના આગામી પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. બૅન્કે એક પ્રેસ સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘વર્લ્ડ બૅન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સે ગઈ કાલે અજય બંગાની બીજી જૂન, ૨૦૨૩થી શરૂ થતી પાંચ વર્ષની મુદત માટે વર્લ્ડ બૅન્કના પ્રેસિડન્ટ તરીકે પસંદગી કરી છે.’
ફેબ્રુઆરીમાં અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડને જાહેર કર્યું હતું કે અમેરિકા વર્લ્ડ બૅન્કનું સુકાન સંભાળવા માટે ૬૩ વર્ષના બંગાને નૉમિનેટ કરશે. તેમણે કહ્યું હતું કે ઇતિહાસમાં આ અત્યંત મહત્ત્વની ક્ષણે આ વૈશ્વિક સંસ્થાનું સુકાન સંભાળવા માટે તેઓ સારી રીતે સજ્જ છે.
માસ્ટરકાર્ડ ઇન્કના ભૂતપૂર્વ ચીફ બંગા અત્યારે જનરલ ઍટલાન્ટિકના વાઇસ ચૅરમૅન તરીકે કામ કરે છે. બંગા ટોચની બે આંતરરાષ્ટ્રીય ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ અને વર્લ્ડ બૅન્કના વડા બનનારા પ્રથમ ભારતીય-અમેરિકન અને સિખ-અમેરિકન છે. બંગાનો ઉછેર ભારતમાં જ થયો છે.
બંગા ખૂબ જ મહત્ત્વના તબક્કે વર્લ્ડ બૅન્કનું સુકાન સંભાળવા જઈ રહ્યા છે, કેમ કે અમેરિકા અને પશ્ચિમી દેશો ક્લાઇમેટ ચૅન્જ જેવા વૈશ્વિક મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે ફોકસ કરીને અનેક સુધારાઓ કરવાની કોશિશમાં છે.