24 April, 2024 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દુનિયામાં મસાલાના સૌથી મોટા ઉત્પાદક એવા ભારતે સિંગાપોર અને હૉન્ગકૉન્ગમાં બે ભારતીય કંપનીના મસાલા બ્રૅન્ડનાં કેટલાંક ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના વિવાદ પર જાણકારી માગી છે. સરકારે આ બેઉ દેશોમાં મોજૂદ દૂતાવાસોને આ મામલે રિપોર્ટ મોકલવા કહ્યું છે. સિંગાપોર અને હૉન્ગકૉન્ગે ગુણવત્તાના ધોરણે ભારતીય કંપની MDH અને એવરેસ્ટનાં કુલ ચાર ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ મસાલામાં ઇથિલીન ઑક્સાઇડનું પ્રમાણ વધારે હોવાનું આ દેશોના ફૂડ-રેગ્યુલેટરોએ જણાવ્યું હતું.
\વાણિજ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘સરકારે આ બે કંપની પાસેથી પણ રિપોર્ટ માગ્યો છે. ભારતીય મસાલાનાં ઉત્પાદનોને નકારવાના કારણનું મૂળ જાણવામાં આવશે અને એના આધારે આ પ્રકરણનો ઉકેલ લાવવામાં આવશે. આ કેસમાં ટેક્નિકલ માહિતી, વિશ્લેષણાત્મક રિપોર્ટ, એક્સપોર્ટરોની જાણકારી પણ માગવામાં આવી છે. આ સિવાય સિંગાપોર અને હૉન્ગકૉન્ગના ફૂડ-રેગ્યુલેટરો પાસેથી પણ જાણકારી માગવામાં આવી છે.’