19 June, 2023 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની વિઝિટને લઈને ભારતીય-અમેરિકનોમાં ખૂબ જ ઉત્સાહ છે. અમેરિકામાં ભારતીય અમેરિકનોએ મોદીના સ્વાગત માટે મોટા પાયે આયોજન કરવાની તૈયારીઓ કરી હતી અને તેમને એના પ્રત્યે ખૂબ જ આશા હતી. જોકે, મોદીના ટાઇટ શેડ્યુલને કારણે શિકાગોની એક મેગા ઇવેન્ટ રદ કરવામાં આવી છે. હવે મોદી માત્ર વૉશિંગ્ટન ડીસીમાં એક કાર્યક્રમમાં ભારતીય અમેરિકનોને સંબોધશે અને એમાં પણ બહુ જ ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટી ફાઉન્ડેશને આ પહેલાં શિકાગોમાં મોદી માટે ભવ્યાતિભવ્ય ઇવેન્ટનું આયોજન કર્યું હતું.
ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટી ફાઉન્ડેશનના ચૅરમૅન ભરત બરાઈએ કહ્યું હતું કે ‘પીએમ એટલા ઉદાર છે કે તેમણે અમેરિકામાંથી વિદાય લેવાનું થોડાક કલાક ડિલે કર્યું અને ભારતીય અમેરિકનોની મીટિંગ માટે ટાઇમ ફાળવ્યો. એ ૨૯મી મેના રોજ કન્ફર્મ થયું હતું. માત્ર ત્રણ અઠવાડિયાંમાં અમારે ઇવેન્ટ માટે યોગ્ય ફૅસિલિટી શોધવાની હતી. અમે વૉશિંગ્ટનમાં આ ઇવેન્ટ
યોજવાનો નિર્ણય કર્યો. જોકે એમાં માત્ર પસંદગીના એક હજાર લોકો જ હાજર રહી શકશે.’
બરાઈએ કહ્યું હતું કે ‘પીએમ મોદીએ ગયા વર્ષે નવેમ્બરમાં શિકાગોમાં ભારતીય અમેરિકનોનું આમંત્રણ સ્વીકાર્યું હતું. મોદી એ સમયે ૧૫થી ૨૦ જૂન દરમ્યાન વિઝિટ કરવાના હતા. એટલે અમે શિકાગોમાં યુનાઇટેડ સેન્ટર ખાતે કામચલાઉ ૧૭મી જૂનની તારીખ રિઝર્વ રાખી હતી.’
જોકે થોડાંક અઠવાડિયાં બાદ પીએમ મોદીની વિઝિટની તારીખો બદલાઈ હતી. મેના મધ્યમાં જ અમેરિકન ઍડ્મિનિસ્ટ્રેશને મોદીની વિઝિટને સંબંધિત પ્લાન ફાઇનલ કર્યો હતો. હવે પીએમની પાસે શિકાગોની ઇવેન્ટમાં હાજર રહેવાનો સમય નથી.
યુએસ વિઝિટને કારણે ‘મન કી બાત’નું એક વીક પહેલાં બ્રૉડકાસ્ટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે તેમના મન્થ્લી રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત’માં દેશને સંબોધતા હોય છે. જોકે આ વખતે તેમણે આ મહિનાના ત્રીજા રવિવારે ‘મન કી બાત’ની ૧૦૨મી એડિશનમાં દેશને સંબોધન કર્યું હતું. વડા પ્રધાને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ‘સામાન્ય રીતે ‘મન કી બાત’નું બ્રૉડકાસ્ટ દર મહિનાના છેલ્લા રવિવારે થાય છે. જોકે આ વખતે એનું બ્રૉડકાસ્ટ એક અઠવાડિયા પહેલાં થયું. તમે બધા જાણો છો કે આગામી અઠવાડિયામાં હું અમેરિકામાં હોઈશ અને ત્યાંનું શેડ્યુલ ખૂબ જ બિઝી રહેવાનું છે. એટલે હું અમેરિકા જાઉં
એના પહેલાં ‘મન કી બાત’ દ્વારા લોકોના આશીર્વાદ મેળવવાનો મેં વિચાર કર્યો.’