08 November, 2024 07:32 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
કશ્યપ પટેલ
અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યા બાદ ત્યાંની ગુપ્તચર સંસ્થા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)ના પ્રમુખપદની રેસમાં સૌથી આગળ ભારતીય મૂળના વડોદરાના વતની ગુજરાતી કશ્યપ ‘કૅશ’ પટેલનું નામ છે. તેઓ ડોનલ્ડ ટ્રમ્પની એકદમ નિકટવર્તી અને ભરોસાપાત્ર વ્યક્તિ છે.
સત્તાગ્રહણ કર્યા બાદ ટ્રમ્પ તેમની ટીમ, પ્રશાસનના અન્ય અધિકારીઓ અને પ્રધાનમંડળના સાથીઓની પસંદગી કરશે એમાં કશ્યપ પટેલને મોટી જવાબદારી મળે એવી શક્યતા છે. CIAના ચીફ તરીકે કશ્યપ ‘કૅશ’ પટેલનું નામ ટ્રમ્પના ઘણા સાથીઓએ પણ સૂચવ્યું છે.
૪૪ વર્ષના કશ્યપ ‘કૅશ’ પટેલ ભારતીય મૂળના છે અને ૧૯૮૦માં ન્યુ યૉર્કના ગાર્ડન સિટીમાં તેમનો જન્મ થયો હતો. તેમનાં ગુજરાતી માતા-પિતા ઈસ્ટ આફ્રિકાના યુગાન્ડાથી કૅનેડાના માર્ગે ૧૯૭૦માં અમેરિકામાં આવીને વસ્યાં હતાં. તેમના પિતા ઍર કંપનીમાં ફાઇનૅન્શિયલ અધિકારી તરીકે કાર્યરત હતા. કશ્યપ ‘કૅશ’ પટેલે કાયદામાં ડિગ્રી મેળવી હતી અને આંતરરાષ્ટ્રીય કાયદામાં પણ ડિગ્રી ધરાવે છે. નોકરી ન મળવાથી તેઓ પબ્લિક ડિફેન્ડર બની ગયા અને માયામીમાં સ્થાનિક કોર્ટમાં નવ વર્ષ કામ કર્યું હતું. તેઓ અમેરિકન લીગલ સિસ્ટમમાં સામેલ થયા હતા અને પછી ૨૦૧૯માં નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલમાં ટ્રમ્પના આતંકવાદવિરોધી ઍડ્વાઇઝર રહ્યા હતા. ટ્રમ્પના અગાઉના કાર્યકાળમાં તેમણે ઍક્ટિંગ ડિફેન્સ સેક્રેટરીના ચીફ ઑફ સ્ટાફની જવાબદારી સંભાળી હતી. ટ્રમ્પના ગત કાર્યકાળ વખતે કશ્યપ પટેલે ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (ISIS), અલ-બગદાદી અને કાસિમ અલ રિમી જેવા અલ કાયદાના નેતૃત્વને ખતમ કરવામાં તથા અનેક અમેરિકન બંધકોને પાછા લાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. તે મિશન ટ્રમ્પની ટૉપ પ્રાયોરિટીમાં હતા. અનેક જટિલ કેસનો ઉકેલ લાવવામાં તેમની કુનેહને કારણે તેઓ ટ્રમ્પના માનીતા બની ગયા હતા અને તેમને ટ્રમ્પના એકદમ વફાદાર માનવામાં આવે છે. તેઓ ટ્રમ્પ માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે. ગયા વર્ષે યુવા રિપબ્લિકનોના એક સમારોહમાં ટ્રમ્પે સંદેશ આપ્યો હતો કે તૈયાર થઈ જાઓ, ‘કૅશ’.