08 March, 2023 11:56 AM IST | New York | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
ન્યુ યૉર્ક (પી.ટી.આઇ.) : અમેરિકામાં ૩૮ વર્ષનો મૂળ ગુજરાતી લગભગ બે કરોડ ડૉલર (૧૬૩.૬૬ કરોડ રૂપિયા)ના ફ્રૉડના કેસમાં દોષી પુરવાર થયો છે. ફ્લૉરિડાની ઑથોરિટીઝે જણાવ્યું કે તે અન્ય અપરાધ માટે ફેડરલ પ્રિટ્રાયલ રિલીઝ પર હતો ત્યારે તેણે આ ફ્રૉડ કર્યો હતો.
ફ્લૉરિડાના નિકેશ અજય પટેલની વિરુદ્ધ ફ્રૉડ કરવા કાવતરું રચવાનો, ફ્રૉડ કરવાનો, મની લૉન્ડરિંગ કરવાનું કાવતરું, મની લૉન્ડરિંગ કરવાનું એમ જુદા-જુદા આરોપો ઘડવામાં આવ્યા છે.
તેને ફેડરલ જેલમાં મેક્સિમમ ૩૦ વર્ષની કેદની સજા થઈ શકે છે. હજી સુધી તેની સજા જાહેર કરવાની તારીખ નક્કી કરવામાં આવી નથી.
કોર્ટના દસ્તાવેજો અનુસાર પટેલ પર ૨૦૧૪માં ઇલિનૉયના ઉત્તર જિલ્લામાં યુએસ ઍટોર્નિની ઑફિસ દ્વારા ૧૭.૯૦ કરોડ ડૉલર (૧૪૬૪.૭૯ કરોડ રૂપિયા)ની ફ્રૉડ સ્કીમ ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેની ધરપકડ થઈ હતી અને બૉન્ડ પર છૂટ્યો હતો, જેના પછીનાં અનેક વર્ષો સુધી પટેલે દાવો કર્યો હતો કે તે અધિકારીઓની સાથે સહકાર આપી રહ્યો છે અને તેણે જે રૂપિયા ચૂકવવાના છે એના માટે ફન્ડ જનરેટ કરવા માટે તે તેની બિઝનેસ સ્કિલ્સનો ઉપયોગ કરવા ઇચ્છે છે. વાસ્તવમાં પટેલે નવી યોજના તૈયાર કરી અને એનાથી તેને કરોડો રૂપિયા મળ્યા.
કોર્ટના દસ્તાવેજો અનુસાર પટેલે સૌપ્રથમ બનાવટી લોન ડૉક્યુમેન્ટ્સ ઊભા કર્યા હતા. તેણે મિયામીની એક બૅન્ક, અમેરિકન ડિપાર્ટમેન્ટ ઑફ ઍગ્રિકલ્ચર અને ફેડરલ ઍગ્રિકલ્ચરલ મૉર્ગેજ કૉર્પોરેશનની સાથે પણ છેતરપિંડી કરી હતી.
આ પણ વાંચો: અમેરિકામાં ગુજરાતી પર કંપનીઓ વિશે ખોટી અફવા ફેલાવી કરોડો રૂપિયા કમાવાનો આરોપ
પટેલ અમેરિકા છોડીને ભાગી જવા માટે રૂપિયા એકઠા કરતો હતો. ૨૦૧૮માં ઇલિનૉયના ઉત્તર જિલ્લામાં તેને સજા આપવામાં આવી એના ત્રણ દિવસ પહેલાં પટેલની કિસ્સિમ્મીમાં ઍરપોર્ટ પરથી ધરપરડ કરવામાં આવી હતી.
તે ભાગીને એક્વાડોર જવા માગતો હતો, જ્યાં રાજકીય શરણ માગવાનો અને સુખેથી રિટાયર લાઇફ જીવવાનો તેનો ઇરાદો હતો. પટેલના બૉન્ડને રદ કરી દેવામાં આવ્યા હતા અને અમેરિકન માર્શલ સર્વિસે તેને ઇલિનૉયના ઉત્તર જિલ્લામાં મોકલી દીધો. ૬ માર્ચ, ૨૦૧૮ના રોજ ઇલિનૉયના ઉત્તર જિલ્લામાં તેને ફેડરલ જેલમાં ૨૫ વર્ષ કેદની સજા આપવામાં આવી હતી.