હવે તમે આઇફલ ટાવર પર રૂપિયામાં કરી શકશો પેમેન્ટ

15 July, 2023 10:26 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

મોદીએ ફ્રાન્સમાં ભારતના યુપીઆઇના ઉપયોગની જાહેરાત કરી અને સાથે જ જણાવ્યું કે ફ્રાન્સમાં માસ્ટર્સ કરી રહેલા ભારતીય સ્ટુડન્ટ્સને હવે પાંચ વર્ષના વર્ક-વિઝા મળશે

પૅરિસમાં ગુરુવારે મૂળ ભારતીયોના કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તસવીર એ.એન.આઇ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પૅરિસમાં ખૂબ જ મોટી સંખ્યામાં એકત્ર થયેલા મૂળ ભારતીયોના કાર્યક્રમમાં જાહેર કર્યું હતું કે ફ્રાન્સમાં યુપીઆઇ (યુનિફાઇડ પેમેન્ટ્સ સિસ્ટમ)ના ઉપયોગ માટે એક ઍગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં મર્સેલીમાં નવું ઇન્ડિયન કૉન્સ્યુલેટ શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. એ ઉપરાંત તેમણે સૌથી મહત્ત્વની એ જાહેરાત કરી હતી કે ફ્રાન્સમાં માસ્ટર્સ કરી રહેલા ભારતીય સ્ટુડન્ટ્સને હવે સ્ટડી બાદ પાંચ વર્ષના વર્ક-વિઝા મળશે. આ પહેલાં ભારતીય સ્ટુડન્ટ્સને બે વર્ષના વર્ક-વિઝા આપવામાં આવતા હતા.
વડા પ્રધાને કહ્યું હતું કે ‘ફ્રાન્સમાં ભારતના યુપીઆઇના ઉપયોગ માટે એક ઍગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે. એની શરૂઆત આઇફલ ટાવરથી કરવામાં આવશે અને હવે ઇન્ડિયન ટૂરિસ્ટ્સ આઇફલ ટાવરમાં યુપીઆઇ દ્વારા રૂપિયામાં પેમેન્ટ્સ કરી શકશે.’
પીએમ મોદીએ તેમની સ્પીચમાં જણાવ્યું હતું કે ‘આ પહેલાં હું ફ્રાન્સમાં આવ્યો હતો ત્યારે ફ્રાન્સમાં સ્ટડી કરનારા ભારતીય સ્ટુડન્ટ્સને સ્ટડી બાદ બે વર્ષના વર્ક-વિઝા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ફ્રાન્સમાં માસ્ટર્સ કરનારા ભારતીય સ્ટુડન્ટ્સને સ્ટડી બાદ પાંચ વર્ષના લાંબા ગાળાના વિઝા આપવામાં આવશે.’

narendra modi france eiffel tower paris international news