midday

અમે અમારી જમીનનો ઉપયોગ ભારતની વિરુદ્ધ નહીં થવા દઈએ

06 April, 2025 11:39 AM IST  |  Colombo | Gujarati Mid-day Correspondent

શ્રીલંકાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યું મોટું વચન
શુક્રવારે મોડી રાત્રે નરેન્દ્ર મોદી કોલંબો પહોંચ્યા ત્યારે હોટેલમાં ભારતીય સમુદાયે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

શુક્રવારે મોડી રાત્રે નરેન્દ્ર મોદી કોલંબો પહોંચ્યા ત્યારે હોટેલમાં ભારતીય સમુદાયે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના શ્રીલંકાના પ્રવાસે છે ત્યારે આ દરમ્યાન તેમણે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી અને કેટલાક મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. એમાં એક ઐતિહાસિક સંરક્ષણ સમજૂતી પણ સામેલ છે. આ પહેલી વાર છે જ્યારે ભારત અને શ્રીલંકાએ સંરક્ષણ ક્ષેત્રમાં આવા કોઈ ઔપચારિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

અનુરા કુમારા દિસાનાયકેએ રાજધાની કોલંબોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આશ્વાસન આપ્યું હતું કે અમારો દેશ પોતાના ક્ષેત્રનો ઉપયોગ એવા કામ માટે નહીં થવા દે જેનાથી ભારતનાં સુરક્ષા હિતોને જોખમ ઊભું થાય. આ આશ્વાસનનો હેતુ શ્રીલંકામાં વધતા ચીનના પ્રભાવ વિશે ચિંતા દૂર કરવાનો હતો.

શ્રીલંકાનો આ દાવો ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે હિન્દ મહાસાગરમાં ચીન સતત ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરે છે. ચીને પહેલેથી જ શ્રીલંકાનું હિંબનટોટા બંદર ૯૯ વર્ષ માટે લીઝ પર લઈને રાખ્યું છે. વળી ભારતની જાસૂસી માટે ચીન અવારનવાર પોતાનાં જાસૂસી જહાજોને કોલંબો બંદર પર મોકલવાનો પ્રયાસ કરતું રહે છે. જોકે હવે શ્રીલંકાના રાષ્ટ્રપતિનું આ વચન ભારત માટે રાહત પહોંચાડનારું છે.

ભારત અને UAE શ્રીલંકામાં સંયુક્ત રીતે ઊર્જા કેન્દ્ર વિકસાવશે
હિન્દ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવને રોકવા માટે ભારત અને યુનાઇટેડ આરબ અમિરેટ‍્સ (UAE) શ્રીલંકાના ત્રિન્કોમાલીને સંયુક્ત રીતે ઊર્જા કેન્દ્ર તરીકે વિકસાવશે. નરેન્દ્ર મોદીની શ્રીલંકાની મુલાકાત દરમ્યાન ત્રણેય દેશોએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારથી ભારતની ચીન સાથે સ્પર્ધા વધી ગઈ છે, જેની સરકારી માલિકીની ઊર્જા કંપની સિનોપેકે શ્રીલંકાના દક્ષિણી બંદર શહેર હંબનટોટામાં ૩.૨ બિલ્યન ડૉલરના તેલ રિફાઇનરી બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

narendra modi sri lanka india colombo indian ocean international news news world news