09 March, 2023 11:29 AM IST | New York | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાનના વિદેશપ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારી તસવીર સૌજન્ય મિડ-ડે
સંયુક્ત રાષ્ટ્રઃ આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન વખતોવખત કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે અને ભારત એની બોલતી બંધ કરતું રહ્યું છે. વધુ એક વખત એમ બન્યું છે. પાકિસ્તાનના વિદેશપ્રધાને મહિલાઓ, શાંતિ અને સુરક્ષા પરની સુરક્ષા પરિષદની ચર્ચામાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો તો ભારતે એની ઝાટકણી કાઢી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે આવો બદઇરાદાવાળો અને ખોટો અપપ્રચાર જવાબ આપવાને પણ લાયક નથી. જમ્મુ-કાશ્મીર વિશેની પાકિસ્તાનના વિદેશપ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીની કમેન્ટનો જવાબ આપતાં યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ ઍમ્બેસેડર રુચિરા કમ્બોજે મંગળવારે ભુટ્ટોના સ્ટેટમેન્ટને આધાર વિનાનું અને રાજકીય પ્રેરિત ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘મારી વાત સમાપ્ત કરતાં પહેલાં હું જમ્મુ-કાશ્મીરના સંબંધમાં પાકિસ્તાનના પ્રતિનિધિ દ્વારા કરવામાં આવેલી તુચ્છ, આધાર વિનાની અને રાજનીતિથી પ્રેરિત કમેન્ટ્સને ફગાવું છું.’ કમ્બોજે કહ્યું હતું કે ‘મારું પ્રતિનિધિમંડળ આવા બદઇરાદાવાળા અને ખોટા અપપ્રચારનો જવાબ આપવો પણ યોગ્ય ન હોવાનું માને છે. એને બદલે આપણું ફોકસ હંમેશાં પૉઝિટિવ અને ભવિષ્ય પર હોવું જોઈએ.’ ભારતે આ પહેલાં અનેક વખત પાકિસ્તાનને સ્પષ્ટ જણાવ્યું છે કે સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદાખ ભારતનાં અવિભાજ્ય અંગ હતાં, છે અને હંમેશાં રહેશે.