ભારત ભવિષ્ય માટે આશા જગાવે છે : બિલ ગેટ્સ

24 February, 2023 10:44 AM IST  |  Sacramento | Gujarati Mid-day Correspondent

માઇક્રોસૉફ્ટના કો-ફાઉન્ડરે તેમના બ્લૉગમાં લખ્યું કે ભારત મોટી સમસ્યાનો એકસાથે ઉકેલ લાવી શકે છે

બિલ ગેટ્સ

કૅલિફૉર્નિયા : માઇક્રોસૉફ્ટના કો-ફાઉન્ડર તેમ જ બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ બિલ ગેટ્સે તેમના બ્લૉગ ‘ગેટ્સ નોટ્સ’માં જણાવ્યું કે ભારત ભવિષ્ય માટે આશા જગાવે છે અને આ દેશે પુરવાર કર્યું છે કે જ્યારે દુનિયા અનેક કટોકટીઓનો સામનો કરી રહી છે ત્યારે પણ ભારત મોટી સમસ્યાનો એકસાથે ઉકેલ લાવી શકે છે.

તેમના બ્લૉગમાં બિલ ગેટ્સે લખ્યું હતું કે ‘હું માનું છું કે યોગ્ય ઇનોવેશન્સ અને એના લાભ લોકો સુધી પહોંચાડવા માટેની યોગ્ય સુવિધાઓથી દુનિયા એકસાથે અનેક મોટી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં પ્રગતિ કરવા સક્ષમ છે. દુનિયા અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે એવા સમયે પણ સામાન્ય રીતે એવો રિસ્પૉન્સ મળે છે કે એકસાથે બે સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પૂરતો સમય કે ભંડોળ નથી. જોકે ભારતે આ તમામ રિસ્પૉન્સને ખોટા પાડ્યા છે. ભારતે જે નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે એનાથી વધારે સારો કોઈ પુરાવો ન હોઈ શકે.’

આ પણ વાંચો: દુનિયાના ટૉપ-ટેન અબજોપતિઓને એક જ દિવસમાં ૧૪૯૦.૮૪ અબજનો ઝટકો

તેમણે વધુમાં લખ્યું હતું કે ‘સમગ્ર ભારતે મને ભવિષ્ય માટે આશા આપી છે. એ દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનવા જઈ રહ્યો છે. એનો અર્થ એ છે કે તમે વ્યાપક પ્રમાણમાં સમસ્યાઓનો ઉકેલ લાવ્યા વિના મોટા ભાગના પ્રૉબ્લેમ્સથી છુટકારો ન મેળવી શકો. આમ છતાં ભારતે પુરવાર કર્યું છે કે એ મોટા પડકારનો સામનો કરી શકે છે. આ દેશે પોલિયો નાબૂદ કર્યો, એચઆઇવી સંક્રમણનું પ્રમાણ ઘટાડ્યું, ગરીબીનું પ્રમાણ ઘટાડ્યું, શિશુમૃત્યુ દર ઘટાડ્યો અને સ્વચ્છતા તથા નાણાકીય સેવાઓ સુધીની લોકોની પહોંચ વધારી છે.’

international news bill gates india united states of america microsoft california