04 March, 2023 11:56 AM IST | Geneva | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
જિનીવાઃ સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનનાં વિદેશપ્રધાન હિના રબ્બાનીએ વધુ એક વખત ભારતની વિરુદ્ધ ખોટા આરોપો મૂકવાની કોશિશ કરી હતી. તેમના આરોપોનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. હિનાના આરોપોનો જવાબ આપતાં જિનીવામાં ઇન્ડિયન ડિપ્લોમેટ સીમા પુજાનીએ પાકિસ્તાનને આતંકવાદ ફેલાવતો દેશ ગણાવ્યો હતો. ભારતે જણાવ્યું હતું કે પાકિસ્તાન ભારતનો અપપ્રચાર કરી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો તમામ ભાગ ભારતનાં અવિભાજ્ય અંગો છે અને હંમેશાં રહેશે. સીમાએ કહ્યું હતું કે પાકિસ્તાનના પ્રતિનિધિએ વધુ એક વખત ભારતની વિરુદ્ધ અપપ્રચાર કરવા માટે આ પ્રતિષ્ઠિત મંચનો દુરુપયોગ કર્યો છે. માનવાધિકારો વિશેની પાકિસ્તાનની વાતો મજાક છે. પાકિસ્તાનમાં અવાજ ઉઠાવનારાઓ ગાયબ થઈ જાય છે. પાકિસ્તાનના પોતાના તપાસ પંચને છેલ્લા એક દશકમાં મિસિંગની ૮૪૬૩ ફરિયાદો મળી છે.’
પુજાનીએ કહ્યું હતું કે ‘ભારતની પ્રત્યે પાકિસ્તાનનું ઑબ્સેશન જુઓ. એક તરફ તેમના લોકો પોતાના જીવન, રોજીરોટી અને સ્વતંત્રતા માટે સંઘર્ષ કરી રહ્યા છે અને બીજી બાજુ આ દેશ ભારતનો અપપ્રચાર કરી રહ્યું છે. એનાથી ખ્યાલ આવે છે કે પાકિસ્તાનની પ્રાથમિકતાઓ કઈ છે. હું એની લીડરશિપ અને અધિકારીઓને સલાહ આપીશ કે તેઓ પોતાની એનર્જીનો યોગ્ય ઉપયોગ કરે અને પોતાની કામગીરી પર ફોકસ કરે.’
પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે
પાકિસ્તાનમાં હિન્દુઓ સહિત લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારનો મુદ્દો ઉઠાવતાં સીમા પુજાનીએ કહ્યું કે ‘પાકિસ્તાનમાં લઘુમતીઓ માટે કોઈ ધાર્મિક આઝાદી નથી. તેઓ પોતાના ધર્મનું પાલન કરી શકતા નથી.’