કૅનેડાએ નિજ્જર હત્યાકાંડમાં ભારતીય અધિકારીનું નામ લીધું એને પગલે ભારતે આપ્યો જડબાતોડ જવાબ

15 October, 2024 09:19 AM IST  |  Canada | Gujarati Mid-day Correspondent

કોઈ પણ પુરાવા આપ્યા વિના ભારતીય અધિકારીને બદનામ કરવામાં આવી રહ્યા છે

ભારતમાં કેનેડાના ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટુઅર્ટ વ્હીલર વિદેશ મંત્રાલયમાંથી રવાના થયા. (તસવીર- પીટીઆઈ)

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના ૨૦૨૩ના જૂનમાં થયેલા હત્યાકાંડમાં કૅનેડાએ ભારતને આપેલા ડિપ્લોમૅટિક મેસેજમાં જણાવ્યું હતું કે ભારતીય હાઈ કમિશન અને અન્ય એક રાજકીય વ્યક્તિ તેમના દેશમાં તપાસના સંબંધિત એક કેસમાં ‘પર્સન ઑફ ઇન્ટરેસ્ટ’ છે. કૅનેડાએ ‘પર્સન ઑફ ઇન્ટરેસ્ટ’ તરીકે કૅનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્માનું નામ આપતાં ભારત છંછેડાયું છે.

આ મુદ્દે વિદેશ મંત્રાલયે વળતો જવાબ આપતાં કહ્યું હતું કે ‘કોઈ પણ પુરાવા આપ્યા વિના ભારતીય અધિકારીને બદનામ કરવામાં આવી રહ્યા છે અને વળી કૅનેડા એની ધરતી પર ખાલિસ્તાની આતંકવાદને કાબૂમાં લેવા નિષ્ફળ રહી છે, પણ આ નિષ્ફળતાને ન્યાયી ઠરાવવા આવા આરોપ મૂકે છે. ભારત સરકાર આ નિરર્થક આરોપોને નકારી કાઢે છે અને એને ટ્રુડો સરકારનો રાજકીય એજન્ડા માને છે. અમારી વારંવાર વિનંતી છતાં ટ્રુડો સરકારે પુરાવા શૅર કર્યા નથી. હાલમાં પણ તથ્યો વિના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. તપાસના બહાને રાજકીય લાભ મેળવવા માટે ટ્રુડો સરકાર આમ કરી રહી છે એમાં કોઈ શંકા નથી. સંજય કુમાર વર્મા ૩૬ વર્ષની લાંબી કારકીર્દી ધરાવતા સિનિયર અધિકારી છે. તેઓ જપાન, સુદાન, ઇટલી, ટર્કી, વિયેટનામ અને ચીનમાં પણ કામગીરી બજાવી છે. કૅનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડો વોટ-બૅન્કની રાજનીતિથી પ્રેરાઈને તેમનો રાજનૈતિક એજન્ડા ચલાવી રહ્યા છે છે. ભારત આવા આરોપોને દૃઢતાથી ફગાવે છે અને એને ટ્રુડો સરકારના રાજનૈતિક એજન્ડાનો હિસ્સો માને છે.’

જોકે ત્યાર બાદ આ મામલો વધુ વણસ્યો હતો અને ભારતના વિદેશ મંત્રાલયે કૅનેડાના રાજદૂતને બોલાવીને સખત શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી એટલું જ નહીં, ભારતે કૅનેડામાં એના હાઈ કમિશનર સંજય કુમાર વર્માને પાછા બોલાવીને ભારતમાં મોજૂદ કૅનેડાના છ ડિપ્લોમૅટ્સને બરતરફ કરીને શનિવારે રાત્રે ૧૧.૫૯ વાગ્યા સુધીમાં ભારત છોડીને જવાનો આદેશ આપી દીધો છે. આમ આ મામલો વધુ ને વધુ ગંભીર બની રહ્યો હોવાનું વિદેશનીતિના જાણકારોનું કહેવું છે.

international news world news canada india terror attack