આફ્રિકન દેશ સુદાનમાં ભોજન માટે સૈનિકો સાથે શરીરસંબંધ બાંધવો પડે છે મહિલાઓએ

23 July, 2024 08:58 AM IST  |  Sudan | Gujarati Mid-day Correspondent

ઓમદુર્મન શહેરમાંથી ભાગેલી આશરે ૨૪ મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે ભોજન મેળવવા માટે તેમને ભારે કિંમત ચૂકવવી પડે છે

પ્રતીકાત્મક તસવીર

સિવિલ-વૉરગ્રસ્ત આફ્રિકાના દેશ સુદાનમાં ભોજન માટે મહિલાઓને સૈનિકો સાથે સેક્સ કરવાની ફરજ પાડવામાં આવી રહી હોવાનો એક અહેવાલ ‘ધ ગાર્ડિયન’ ન્યુઝપેપરમાં પ્રકાશિત થયો છે.

ઓમદુર્મન શહેરમાંથી ભાગેલી આશરે ૨૪ મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે ભોજન મેળવવા માટે તેમને ભારે કિંમત ચૂકવવી પડે છે. એના માટે તેમને સૈનિકો સાથે સેક્સ કરવાની ફરજ પાડવામાં આવે છે. પોતાના પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે તેઓ આમ કરવા મજબૂર છે. ઘરની સામગ્રી મેળવવી હોય કે ભોજન, એ મેળવવા માટે સૈનિકો સાથે શરીર-સંબંધ બાંધવો પડે છે.

અગાઉ સુદાનમાંથી એવાં પણ ફરમાનો આવી ગયાં છે કે સૈનિકોને વેતનને બદલે મહિલાઓ સાથે દુષ્કર્મ કરવા દેવામાં આવશે.

મહિલાઓએ જણાવ્યું હતું કે ‘જ્યાં ફૂડ-સામગ્રી રાખવામાં આવી છે ત્યાં સૈનિકો તહેનાત છે એટલે ત્યાંથી આ સામગ્રી મેળવવા માટે અમારે એની કિંમત ચૂકવવી પડે છે. જો કોઈ મહિલા સૈનિકોના તાબે ન થાય તો તેમને યાતના આપવામાં આવે છે. ૨૧ વર્ષની એક યુવતી બીજી વાર સૈનિકોના તાબે ન થઈ તો તેના પગ બાળી નાખવામાં આવ્યા હતા.’

સિવિલ-વૉરથી દોઢ લાખનાં મોત

ગયા વર્ષે ૧૫ એપ્રિલથી આફ્રિકાના ત્રીજા નંબરના આ મોટા દેશમાં સિવિલ-વૉર ચાલી રહ્યું છે અને એમાં આશરે દોઢ લાખ લોકો માર્યા ગયા છે. ૧.૧ કરોડ લોકો બેઘર છે, દેશમાં વિસ્થાપિતોની સંખ્યા ઘણી મોટી છે. ખાણી-પીણીની ચીજોની અછત છે. આ સંકટનો ફાયદો સૈનિકો ઉઠાવી રહ્યા છે અને તેમની શારીરિક ભૂખ સંતોષી રહ્યા છે.

south africa international news world news