હમાસ બંધકોને છોડી દે તો અમે આવતી કાલે યુદ્ધ બંધ કરી દઈશુંઃ ઇઝરાયલના પીએમ નેતન્યાહુ

19 October, 2024 08:44 AM IST  |  Israel | Gujarati Mid-day Correspondent

જ્યાં સુધી ઇઝરાયલના સૈનિકો ગાઝા નહીં છોડે ત્યાં સુધી અમે બંધકોને નહીં છોડીએ : હમાસ

ગુરુવારે ઇઝરાયલે જેનો ખાતમો કર્યો એ હમાસનો ચીફ યાહ્યા સિનવાર.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું છે કે હમાસ હથિયાર હેઠાં મૂકી દે અને ગયા વર્ષે કરેલા હુમલા વખતે બાનમાં રાખેલા ઇઝરાયલી સહિતના લોકોને છોડી મૂકે તો અમે યુદ્ધ બંધ કરી દઈશું.

૨૦૨૩ની ૭ ઑક્ટોબરે ઇઝરાયલ પર કરવામાં આવેલા હુમલાના માસ્ટરમાઇન્ડ અને હમાસના નેતા યાહ્યા સિનવારની હત્યા કન્ફર્મ થયા બાદ ઇઝરાયલના વડા પ્રધાને ગાઝાના લોકોને ટીવી પર સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ‘યાહ્યા સિનવાર મૃત્યુ પામ્યો છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસના બહાદુર જવાનોએ તેને રફા વિસ્તારમાં મારી નાખ્યો છે. ગાઝામાં યુદ્ધનો આ અંત નથી, પણ અંતની શરૂઆત છે. ગાઝાના લોકો માટે મારો એક જ સંદેશો છે કે યુદ્ધ કાલે પૂરું થઈ શકે, જો હમાસ એનાં હથિયાર હેઠાં મૂકે અને બાનમાં રાખેલા અમારા લોકોને પાછા સોંપી દે. હમાસે હજી ગાઝામાં માત્ર ઇઝરાયલ જ નહીં, ૨૩ દેશોના ૧૦૧ લોકોને બાનમાં રાખ્યા છે. તેમને પાછા લાવવા માટે ઇઝરાયલ અેની શક્તિ મુજબ બધું કરી છૂટશે. જે લોકો બાનમાં રાખેલા લોકોને છોડશે તેમની સલામતીની ખાતરી ઇઝરાયલ આપે છે. જો આ લોકોને કોઈ હાનિ પહોંચી તો અમે તેમને છોડીશું નહીં.’

જોકે હમાસે ઇઝરાયલની ઑફર ઠુકરાવીને ફરી એક વાર કહ્યું હતું કે જ્યાં સુધી ઇઝરાયલના સૈનિકો ગાઝામાંથી નહીં જાય અને સીઝફાયરની જાહેરાત નહીં કરે ત્યાં સુધી બંધકોને છોડવામાં નહીં આવે.

international news world news benjamin netanyahu israel hamas gaza strip