05 December, 2022 10:30 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
શાંઘાઈ : ચીનની સરકાર આખરે ઝીરો કોવિડ પૉલિસીની વિરુદ્ધ લોકોના આક્રોશના કારણે ઝૂકી હોય એમ જણાય છે. ચીને ઝીરો કોવિડ પૉલિસીને હળવી કરવા પગલાં લેવાની શરૂઆત કરી છે.
ચીનમાંથી કોરોનાને ફેલાતો રોકવા માટેનાં તમામ નિયંત્રણોને હટાવી લેવામાં આવે તો એવી સ્થિતિમાં કેટલા લોકોનાં મોત થઈ શકે એના વિશે સંશોધકોએ ઍનૅલિસિસ કર્યું છે. મોટા ભાગના સંશોધકોએ ધ્યાન દોર્યું છે કે વૅક્સિનેશનનું ઓછું પ્રમાણ અને હર્ડ ઇમ્યુનિટીના અભાવે કોરોના વાઇરસ મોટી સંખ્યામાં લોકોનો જીવ લઈ શકે છે.
નોંધપાત્ર વાત એ છે કે અમેરિકાના નૅશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર એવરિલ હેઇન્સે કહ્યું હતું કે કોરોનાની મહામારીના કારણે ચીન અનેક પડકારોનો સામનો કરી રહ્યું હોવા છતાં ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ પશ્ચિમી દેશોની વૅક્સિનને સ્વીકારવા માટે તૈયાર નથી.
ચીનના ગુઆંગશી પ્રદેશમાં સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલના વડા ઝુઓ જિયાતોંગે કહ્યું હતું કે જો ચીન કોરોનાને ફેલાતો રોકવા માટેનાં નિયંત્રણો હળવા કરશે તો ચીનમાં ૨૦ લાખથી વધુનાં મોતનું જોખમ છે. કોરોનાના કેસ વધીને ૨૩.૩૦ કરોડ સુધી પહોંચી શકે છે.
નેચર મેડિસિનમાં પબ્લિશ્ડ ચીન અને અમેરિકાના સાયન્ટિસ્ટ્સના એક રિસર્ચ અનુસાર જો ચીન વૅક્સિનેશન અને લોકોને સારવાર પહોંચાડવા માટેના પ્રયાસો વધાર્યા વિના ઝીરો કોવિડ પૉલિસીને પડતી મૂકશે તો કોરોનાના કારણે અહીં ૧૫ લાખ લોકોનાં મોતનું જોખમ છે.
બ્રિટિશ સાયન્ટિફિક ઇન્ફર્મેશન ઍન્ડ ઍનલિટિક્સ કંપની ઍરફિનિટીએ તાજેતરમાં જણાવ્યું હતું કે જો ચીન એની ઝીરો કોવિડ પૉલિસીને પડતી મૂકશે તો અહીં ૧૩ લાખથી ૨૧ લાખ લોકોનાં મોત થઈ શકે છે.