કરાચીમાં હિન્દુ ડૉક્ટરની ગોળી મારીને હત્યા

01 April, 2023 12:10 PM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

કરાચીમાં લાયારી નજીક પાકિસ્તાની હિન્દુ ડૉક્ટર બીરબલ ગેનાની ગુરુવારે ક્લિનિક પરથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે ટાર્ગેટેડ હત્યાનો ભોગ બન્યા હોવાનું દુન્યા ન્યુઝના અહેવાલમાં જણાવાયું હતું.

પાકિસ્તાની હિન્દુ સમાજે કરાચીમાં બળજબરી ધર્મપરિવર્તન સામે બળવો કર્યો હતો.

ઇસ્લામાબાદ ઃ કરાચીમાં લાયારી નજીક પાકિસ્તાની હિન્દુ ડૉક્ટર બીરબલ ગેનાની ગુરુવારે ક્લિનિક પરથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે ટાર્ગેટેડ હત્યાનો ભોગ બન્યા હોવાનું દુન્યા ન્યુઝના અહેવાલમાં જણાવાયું હતું. જિયો ન્યુઝના જણાવ્યા મુજબ કરાચી મેટ્રોપૉલિટન કૉર્પોરેશનના આરોગ્ય વિભાગના ભૂતપૂર્વ વરિષ્ઠ અને આંખના સ્પેશ્યલિસ્ટની ગુરુવારે અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી હતી. ડૉક્ટર બીરબલ ગેનાની અને તેમની મહિલા સહયોગી ડૉક્ટર રામસ્વામીથી ગુલશન-એ-ઇકબાલ જઈ રહ્યાં હતાં ત્યારે લાયરી એક્સપ્રેસવે પર ગાર્ડન ઇન્ટરચેન્જ નજીક તેમની કાર  પર ગોળીબાર થયો હતો. ડૉક્ટર ગેનાનીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેમની સહયોગી મહિલા ડૉક્ટરને બુલેટ વાગતાં ઈજા થઈ હતી. 
ઘટનાની જાણ થતાં પોલીસ અને રેસ્ક્યુ ઑફિસર્સ ઘટનાસ્થળે દોડી ગયા હતા તથા મૃતદેહ તેમ જ ઈજાગ્રસ્ત મહિલા ડૉક્ટરને હૉસ્પિટલ લઈ ગયા હતા. હજી સુધી હત્યાનું કારણ જાણી શકાયું નથી.

world news pakistan karachi