હીટવેવનો હાહાકાર

16 July, 2023 10:01 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

યુરોપ, અમેરિકા, જપાન અને ચીન ગરમીની ઝપેટમાં, ૧૦ કરોડ અમેરિકનો માટે અત્યંત ગરમીની ઍડ્વાઇઝરી ઇશ્યુ કરવામાં આવી, ઇટલીના પ્રદેશ સિસિલીમાં ૪૮.૮ સેલ્સિયસ તાપમાન નોંધાયું

અમેરિકન સ્ટેટ કૅલિફૉર્નિયાની રિવરસાઇડ કાઉન્ટીમાં મોરેનો વૅલી ખાતે શુક્રવારે જંગલમાં આગ લાગી હતી. ભયાનક હીટવેવને કારણે કૅલિફૉર્નિયાના જંગલમાં આગની ઘટના બની છે.

ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વૉર્મિંગ વિશે અત્યાર સુધી જે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી એ બિલકુલ સાચી પડી રહી છે. યુરોપ, ચીન, અમેરિકા અને જપાનના અનેક વિસ્તાર અત્યારે હીટવેવનો સામનો કરી રહ્યા છે. ૧૦ કરોડ અમેરિકનો માટે અત્યંત ગરમીની ઍડ્વાઇઝરી ઇશ્યુ કરવામાં આવી છે. ખાસ કરીને નૅશનલ વેધર સર્વિસે ઍરિઝોના, કૅલિફૉર્નિયા, નેવેડા અને ટેક્સસમાં વધતા તાપમાનના કારણે ભયજનક સ્થિતિની આગાહી કરી છે. ગ્રીસે ટૂરિસ્ટ્સને હીટવેવથી બચાવવા માટે પ્રાચીન ઍક્રોપોલિસને બંધ કર્યું છે.

યુરોપિયન સ્પેસ એજન્સીએ ચેતવણી આપી છે કે ઇટલી, સ્પેન, ફ્રાન્સ, જર્મની અને પોલૅન્ડે અત્યંત ગરમીનો સામનો કરવો પડશે. યુરોપિયન સ્પેસ એજન્સીનાં સૅટેલાઇટ્સ જમીન અને દરિયાના તાપમાનને મૉનિટર કરે છે.

ઇટલીના પ્રદેશ સિસિલીમાં ૪૮.૮ સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે યુરોપનો અત્યારનો રેકૉર્ડ છે. જોકે આવતા અઠવાડિયામાં આ રેકૉર્ડ તૂટી શકે છે.  

નોંધપાત્ર છે કે હજી ગયા અઠવાડિયામાં જ ગ્લોબલી સૌથી વધુ તાપમાનવાળો દિવસ નોંધાયો હતો. સાયન્ટિસ્ટ્સ આ પરિસ્થિતિ માટે લાંબા સમયથી ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા તેમ જ અલ નીનોના કારણે ટૂંકા ગાળાની સ્થિતિના કૉમ્બિનેશનને જવાબદાર ગણાવી રહ્યા છે. પૅસેફિક મહાસાગરના મધ્ય ભાગની ઉપરની સપાટીનું પાણીનું તાપમાન અતિશય વધી જાય ત્યારે અલ નીનોની અસર સર્જાય.

ડીહાઇડ્રેશન અને બળતરા

અમેરિકાના દ​ક્ષિણપશ્ચિમમાં અનેક જગ્યાઓએ આગામી દિવસોમાં તાપમાનમાં વધારાના રેકૉર્ડ્સ તૂટી શકે છે. ઍરિઝોનામાં ફૉનિક્સ સિટીમાં ઑલરેડી સળંગ ૧૫ દિવસથી ૪૩.૩ સેલ્સિયસથી વધારે તાપમાન છે. અહીં અત્યંત ડીહાઇડ્રેશન અને ગરમીને સંબંધિત અન્ય સમસ્યાઓથી અનેક બેઘર લોકો મોબાઇલ ક્લિનિક્સમાં જઈ રહ્યા છે.

ચીન અને જપાનમાં પણ ગરમી

રાજધાની બીજિંગ સહિત ચીનના કેટલાક વિસ્તારો તાપમાનમાં વધારાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અહીં ગરમીમાં વધારો થવાની સાથે ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. પૂર્વીય જપાનના કેટલાક વિસ્તારોમાં આજે અને આવતી કાલે તાપમાન ૩૯ સેલ્સિયસ સુધી પહોંચે એવી શક્યતા છે. 

heat wave europe united states of america japan china italy international news