05 November, 2023 12:20 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ દ્વારા ગઈ કાલે રિલીઝ કરવામાં આવેલા ફોટોગ્રાફમાં ગાઝાપટ્ટી પર ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસના સૈનિકો.
તેલ અવિવ ઃ આતંકવાદી સંગઠન હમાસ ગાઝાપટ્ટી પર ઇઝરાયલની વિરુદ્ધ લાંબી લડાઈ લડવા માટે રેડી છે. હમાસ માને છે કે એ ઇઝરાયલની આગેકૂચને એટલા લાંબા સમય સુધી અટકાવી શકે છે કે આખરે એને યુદ્ધવિરામ માટે ફરજ પાડી શકે છે.
બે સોર્સિસે એક ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે હમાસે પૂરતા પ્રમાણમાં ગન્સ, મિસાઇલ્સ, ફૂડ અને મેડિકલ સપ્લાય જમા કર્યાં છે.
હમાસની પાસે લગભગ ૪૦,૦૦૦ ફાઇટર્સ છે. તેઓ ટનલ્સના વિશાળ અન્ડરગ્રાઉન્ડ નેટવર્કમાં હરીફરી રહ્યા છે. સેંકડો કિલોમીટર લાંબી આ ટનલ ૮૦ મીટર સુધી ઊંડી છે, જેને બાંધતાં અનેક વર્ષો લાગ્યાં છે.
આ ગ્રુપને વિશ્વાસ છે કે એના હજારો ફાઇટર્સ અર્બન ગેરિલા ટેક્નિક્સનો ઉપયોગ કરીને ઇઝરાયલની ફોર્સિસથી બચી શકશે અને ટનલ્સના નેટવર્કમાં મહિનાઓ સુધી ટકી રહેશે.
હમાસ એમ પણ માને છે કે નાગરિકોનાં મોત વધશે તો એની સાથે જ ઇઝરાયલ પર વિદેશોમાંથી યુદ્ધવિરામ માટે પ્રેશર વધશે. એવી સ્થિતિમાં ડિપ્લોમૅટિક સેટલમેન્ટ થઈ શકે છે. એવી સ્થિતિમાં એ ઇઝરાયલના બંધકોને મુક્ત કરવાના બદલામાં ઇઝરાયલની જેલોમાં કેદ પૅલેસ્ટીનના હજારો લોકોને છોડાવી શકશે.
હમાસના લીડર્સે આ એક્સચેન્જ માટે કતારના માધ્યમથી અમેરિકા અને ઇઝરાયલને પરોક્ષ રીતે મેસેજ પહોંચાડ્યો છે.