30 April, 2023 10:10 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વૉશિંગ્ટન (પી.ટી.આઇ.) ઃ અમેરિકન ફેડરલ એજન્સીએ H-1B વિઝાની રજિસ્ટ્રેશનની પ્રોસેસને આધુનિક કરવાના પ્લાનની જાહેરાત કરી છે. વાસ્તવમાં કેટલીક કંપનીઓ દ્વારા લોટ્સના કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોમાં તેમના સ્કિલ્ડ ફૉરેન વર્કર્સ માટે વિઝા જીતવાના ચાન્સિસને કૃત્રિમ રીતે વધારવા માટે દુરુપયોગ અને ફ્રૉડ કરવામાં આવતો હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
H-1B વિઝા એ નૉન-ઇમિગ્રન્ટ વિઝા છે કે જે અમેરિકન કંપનીઓને થિયેટ્રિકલ કે ટેક્નિકલ એક્સપર્ટાઇઝની જરૂર હોય એવા ચોક્કસ વ્યવસાયોમાં વિદેશી વર્કર્સને નોકરી આપવાની અમેરિકન કંપનીઓને છૂટ આપે છે. ટેક્નૉલૉજી કંપનીઓ એના પર ખૂબ જ નિર્ભર છે. તેઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરે છે.
અમેરિકન સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસના એક અસામાન્ય સ્ટેટમેન્ટમાં શુક્રવારે જણાવવામાં આવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ની H-1B કૅપ સીઝન્સમાં મળેલા પુરાવાઓના આધારે એણે ઑલરેડી ફ્રૉડના આરોપોની વ્યાપક તપાસ શરૂ કરી હતી. H-1B વિઝા ફાળવતી અમેરિકન સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે એ અપરાધિક કાર્યવાહી શરૂ કરવાની પ્રોસેસમાં છે.
આ ફેડરલ એજન્સીએ જણાવ્યું હતું કે એક જ ઍપ્લિકન્ટનો અનેક વખત લૉટરીમાં પ્રવેશ કરાવવા માટે કેટલીક કંપનીઓ જવાબદાર છે, જેમનો હેતુ વિઝા જીતવાની તેમની શક્યતાઓને
કૃત્રિમ રીતે વધારવાનો છે.
એજન્સીએ વધુ જણાવ્યું હતું કે ‘અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ અને ઇકૉનૉમીમાં H-1B વિઝા પ્રોગ્રામ એક ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. અમેરિકન સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ કાયદાના અમલ માટે કમિટેડ છે. અમે આગામી H-1B આધુનિકીકરણ નિયમ પર કામ કરી રહ્યા છીએ. એ સિવાય અન્ય કેટલાક સુધારા કરવામાં આવશે, જેથી H-1B રજિસ્ટ્રેશન સિસ્ટમમાં મિસયુઝ અને ફ્રૉડની શક્યતાને ઘટાડી શકાય.’
H-1B વિઝા ત્રણ વર્ષ માટે ઇશ્યુ કરવામાં આવે છે અને એને બીજાં ત્રણ વર્ષ માટે એક્સટેન્ડ કરી શકાય છે.