07 February, 2024 09:04 AM IST | Mumbai | Shailesh Nayak
અબુ ધાબીમાં મહંતસ્વામી મહારાજને હરિભક્તોએ આવકાર્યા હતા.
અમદાવાદઃ અબુ ધાબીના અબુ મુરેખામાં બીએપીએસ દ્વારા પરંપરાગત હિન્દુ સ્થાપત્ય શૈલીમાં પથ્થરમાંથી નિર્મિત સૌપ્રથમ મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે આ નવનિર્મિત મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે આધ્યાત્મિક ગુરુ મહંતસ્વામી મહારાજ સ્ટેટ ગેસ્ટ તરીકે અબુ ધાબી પહોંચ્યા છે. મહંતસ્વામી મહારાજનું અલ અય્યાલાની પારંપરિક અરેબિક સાંસ્કૃતિક શૈલીમાં નર્તકો, ડ્રમ વાદકો અને ગાયકો દ્વારા અભિવ્યક્તિ રૂપે સ્વાગત કરવામાં આવ્યું હતું. અબુ ધાબીમાં બીએપીએસના મંદિરનું ૧૪ ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન થવાનું છે. યુએઈના સહિષ્ણુતા પ્રધાન શેખ નહયાન મુબારક અલ નહયાને ઍરપોર્ટ પર મહંતસ્વામીને ઉષ્માભેર આવકાર્યા હતા.
મહંતસ્વામી મહારાજે તેમને કહ્યું હતું કે ‘તમારો પ્રેમ અને આદર હૃદયસ્પર્શી છે. યુએઈના નેતાઓ મહાન અને વિશાળ હૃદયના છે.’ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે ફેસ્ટિવલ ઑફ હાર્મની એટલે કે સંવાદિતાનો ઉત્સવ ઊજવાશે, જેમાં અલગ-અલગ પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોમાં શ્રદ્ધા, સેવા અને સંવાદિતાનાં મૂલ્યોને દૃઢ કરાવતાં અનેકવિધ કાર્યક્રમો અને કમ્યુનિટી ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે.