યુક્રેન યુદ્ધની અસર, સમગ્ર વિશ્વમાં સૈન્યના ખર્ચમાં સૌથી મોટો વધારો

25 April, 2023 12:18 PM IST  |  Stockholm | Gujarati Mid-day Correspondent

રશિયા તરફથી વધી રહેલા ખતરાને કારણે યુરોપના દેશોના લશ્કરી ખર્ચમાં થયો ૧૩ ટકાનો વધારો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

સ્વીડિશ થિન્ક ટૅન્કના જણાવ્યા પ્રમાણે સતત આઠમા વર્ષે વૈશ્વિક લશ્કરી ખર્ચમાં ૨૦૨૨ના વર્ષમાં પણ વધારો નોંધાયો છે. વળી આ વખતે રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે યુરોપમાં લશ્કરી ખર્ચમાં થયેલા તીવ્ર વધારાને કારણે આ આંકડો સૌથી ઊંચો ૨.૨૪ ટ્રિલ્યન ડૉલરે પહોંચ્યો હતો. સ્ટૉકહોમ ઇન્ટરનૅશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એસઆઇપીઆરઆઇ)એ એક અહેવાલમાં જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ખર્ચમાં ૩.૭ ટકાનો વધારો થયો હતો, પરંતુ યુરોપમાં લશ્કરી ખર્ચમાં ૧૩ ટકાનો વધારો થયો છે, જે છેલ્લાં ૩૦ વર્ષમાં સૌથી વધુ છે. યુક્રેનને સૈન્ય સહાય અને રશિયા તરફથી વધી રહેલા ખતરાની ચિંતાઓએ ઘણા દેશના લશ્કરી ખર્ચના નિર્ણય પર અસર કરી છે. ગયા વર્ષે સૌથી વધુ હથિયાર માટે ખર્ચ કરનાર દેશો અમેરિકા, ચીન અને રશિયા હતું, જેમનો વૈશ્વિક ખર્ચમાં ૫૬ ટકા હિસ્સો હતો. યુક્રેન પરના આક્રમણને કારણે રશિયાની નજીકના દેશોના લશ્કરી ખર્ચમાં વધારો જોવા મળ્યો હતો. એમાં ફિનલૅન્ડ (૩૬ ટકા), લિથુઆનિયા (૨૭ ટકા), સ્વીડન (૧૨ ટકા) અને પોલૅન્ડ (૧૧ ટકા)માં વધારો નોંધાયો છે. 

ભારતે કર્યો ૬૬૬૮ અબજ રૂપિયાનો ખર્ચ

અમેરિકા, ચીન અને રશિયા બાદ ભારત લશ્કરી ખર્ચ કરનાર ચોથો સૌથી મોટો દેશ છે. ભારતે ૮૧.૪ બિલ્યન ડૉલર (૬૬૬૮ અબજ રૂપિયા)નો ખર્ચ કર્યો છે, જે ૨૦૨૧ કરતાં ૬.૦ ટકા વધુ હતો. એસઆઇપીઆરઆઇના વરિષ્ઠ સંશોધક ડૉ. નાન ટિયાને કહ્યું કે ‘તાજેતરનાં વર્ષોમાં વૈશ્વિક સૈન્ય ખર્ચમાં સતત વધારો એ વાતનો સંકેત છે કે આપણે વધુ ને વધુ અસુરક્ષિત વિશ્વમાં જીવી રહ્યા છીએ. બગડતા જતા સુરક્ષા વાતાવરણના પ્રતિભાવમાં વિવિધ દેશો લશ્કરી તાકાત વધારી રહ્યા છે, જે નજીકના ભવિષ્યમાં પરિસ્થિતિ સુધરવાની અપેક્ષા રાખતા નથી. ૨૦૨૨માં મધ્ય અને પશ્ચિમ યુરોપના દેશો દ્વારા લશ્કરી ખર્ચ ૩૪૫ બિલ્યન ડૉલર (અંદાજે ૨૮,૨૬૧ અબજ રૂપિયા) હતો, જે ૧૯૮૯ના શીતયુદ્ધના અંત બાદ ૨૦૧૩ની સરખામણીમાં ૩૦ ટકા વધુ હતો.

international news ukraine russia stockholm