ડૉલરને પડકાર આપશો તો ૧૦૦ ટકા ટૅરિફ લગાવી દઈશ

02 December, 2024 08:32 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

સત્તામાં આવતાં પહેલાં ડોનલ્ડ ટ્રમ્પની બ્રિક્સ દેશોને ધમકી

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકામાં પ્રેસિડન્ટ ઇલેક્ટ ડોનલ્ડ ટ્રમ્પ ૨૦ જાન્યુઆરીએ સત્તા સંભાળશે પણ એ પહેલાં બ્રિક્સ દેશોને ધમકી આપી છે. આ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા (BRICS-બ્રિક્સ)નો સમાવેશ થાય છે. ટ્રમ્પે કહ્યું છે કે બ્રિક્સ દેશો અમેરિકન ડૉલરને બદલે બ્રિક્સ કરન્સી કે અન્ય કોઈ કરન્સીને ટેકો આપશે અને અમેરિકન ડૉલરને પડકાર ફેંકશે તો એનું નુકસાન તેમણે ઉઠાવવું પડશે. ટ્રમ્પે આ દેશોને ૧૦૦ ટકા ટૅરિફની ધમકી આપી છે.

આ મુદ્દે ટ્રુથ પરના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર ટ્રમ્પે જણાવ્યું હતું કે ‘અમે બ્રિક્સ દેશો પાસે કમિટમેન્ટ ઇચ્છીએ છીએ કે ન તેઓ બ્રિક્સ કરન્સી બનાવશે અને ન તેઓ અમેરિકન ડૉલરના સ્થાને અન્ય કોઈ કરન્સીને સપોર્ટ કરશે. જો આમ થશે તો તેમને ન માત્ર ૧૦૦ ટકા ટૅરિફનો સામનો કરવો પડશે પણ અમેરિકન માર્કેટમાં તેમને પોતાના માલસામાનના વેચાણને પણ ગુડબાય કહેવાનો વારો આવશે.’

બ્રિક્સ દેશોએ તાજેતરમાં પોતાના આર્થિક સંબંધોને વધારે મજબૂત કરવા માટે અને ઇન્ટરનૅશનલ ટ્રેડમાં અમેરિકન ડૉલરના બદલે અન્ય વિકલ્પો પર વિચાર કરવાની સંભાવના વ્યક્ત કરી હતી.

donald trump brics brazil russia india china south africa international news news world news social media