16 June, 2024 07:10 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
વિડિયો-સેલ્ફી
ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે લીધેલો વિડિયો-સેલ્ફી શૅર કર્યાના થોડા કલાક બાદ મોદીએ ભારત-ઇટલીની મિત્રતાનાં વખાણ કર્યાં હતાં. મેલોની શૅર કરેલો સેલ્ફી-વિડિયો ગણતરીની ક્ષણોમાં જબરદસ્ત વાઇરલ થઈ ગયો હતો. ઇટલીના અપુલિયાના એક લક્ઝુરિયસ રિસૉર્ટમાં G7 શિખર સંમેલન યોજાયું હતું જેમાં મેલોની અને મોદીએ દ્વિપક્ષી ચર્ચા કરી હતી.
વડા પ્રધાન મોદી સાથે લીધેલો એક વિડિયો જ્યૉર્જિયા મેલોનીએ અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતા સોશ્યલ મીડિયા પોર્ટલ ઍક્સ પર શૅર કર્યો હતો. આ વિડિયોમાં સ્માઇલિંગ મેલોની ‘હેલો ફ્રૉમ ધ મેલોદી ટીમ’ કહેતાં સંભળાય છે અને મોદી પાછળ મૃદુ હાસ્ય કરતા દેખાય છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની ભારત આવ્યાં હતાં ત્યારે તેમણે મોદી સાથે લીધેલા સેલ્ફીને શૅર કરતાં મેલોની અને મોદીના કૉમ્બિનેશન સમો શબ્દ ‘મેલોદી’ હૅશટૅગ તરીકે વાપર્યો હતો અને ત્યારથી એ ચર્ચામાં છે. આ વખતે ફરીથી ઇટલીનાં વડાં પ્રધાને આ હૅશટૅગ સાથે વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોને બેઉ દેશોના રાષ્ટ્રધ્વજ સાથે ઍક્સ પર ફરીથી શૅર કરતાં વડા પ્રધાન મોદીએ લખ્યું હતું કે ‘ભારત-ઇટલીની મિત્રતા હંમેશાં કાયમ રહે.’
સતત ત્રીજી વાર સત્તા સંભાળ્યા બાદ વડા પ્રધાન મોદીની આ પહેલી વિદેશ-મુલાકાત છે જ્યાં તેઓએ સતત પાંચમી વાર G7 શિખર સંમેલનમાં હાજરી આપી હતી. મેલોનીએ મોદીને સતત ત્રીજી વાર વડા પ્રધાનપદે ચૂંટાઈ આવવા બદલ અભિનંદન આપ્યાં હતાં. મોદીએ પણ શિખર સંમેલનમાં આમંત્રણ માટે મેલોનીનો આભાર માન્યો હતો અને આ ઇવેન્ટના સફળતાપૂર્વકના આયોજન બદલ અભિનંદન આપ્યાં હતાં.