સમાજસેવાના નામે ‘ખેલ’ માટે કુખ્યાત સૉરોઝે વધુ એક વખત ઝેર ઓક્યું

18 February, 2023 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જર્મનીની યુનિવસિટીમાં જ્યૉર્જ સૉરોઝે કહ્યું કે અદાણી ગ્રુપ સાથે મોદીની સાંઠગાંઠ છે. તેઓ ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા માગે છે તેમ જ કાશ્મીરના મુસ્લિમોને નાગરિકતાથી વંચિત રાખવાની ધમકી આપી રહ્યા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

મ્યુનિક ઃ  અમેરિકાના અબજોપતિ જ્યૉર્જ સૉરોઝે એવો આરોપ મૂક્યો હતો કે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાંઠગાંઠ છે. આ વાત તેમણે મ્યુનિક સિક્યૉરિટી કૉન્ફરન્સ પહેલાં જર્મનીમાં આવેલી ટેક્નિકલ યુનિવર્સિટી ઑફ મ્યુનિકમાં કહી હતી. તેમણે એવો આરોપ મૂક્યો હતો. અદાણી સ્ટૉક માર્કેટમાંથી ભંડોળ એકત્ર કરવા માગતા હતા પરંતુ તેઓ નિષ્ફળ ગયા છે. અદાણી એન્ટરપ્રાઇઝનો શૅર પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો છે. વડા પ્રધાન મોદી પણ અદાણી સાથેના ખોટા વ્યવહારમાં સામેલ છે. તેમણે આ મામલે ચૂપકીદી સેવી લીધી છે પરંતુ તેમણે વિદેશી રોકાણકારો અને સંસદમાં જવાબો આપવા પડશે. હિંડનબર્ગ રિસર્ચને કારણે ભારતીય શૅરમાર્કેટ જે રીતે તૂટ્યું એ જરૂરી હતું. આના કારણે અત્યંત જરૂરી એવા સંસ્થાકીય સુધારાઓ આવશે તેમ જ દેશમાં લોકશાહી મજબૂત થશે. સૉરોઝે મોદી પર આરોપ મૂકતાં કહ્યું કે તેમના સમયે દેશમાં મુસ્લિમ વિરોધી હિંસામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. વળી મોદી આનું નેતૃત્વ કરી રહ્યા છે. 
નોંધપાત્ર છે કે જ્યૉર્જ સૉરોઝ સમાજસેવાના નામે ખેલ કરવા માટે કુખ્યાત છે. એટલું જ નહીં, તેમણે ૧૯૮૮માં ફ્રાન્સની બૅન્ક સોસાઇટે જેનરલેના શૅર્સ ગેરકાયદે ખરીદ્યા હતા, જેના કારણે તેમને દંડ પણ કરવામાં આવ્યો હતો. 
અદાણી ગ્રુપે હિંડનબર્ગના રિપોર્ટને પાયાવિહોણો ગણાવ્યો હતો એટલું જ નહીં, ૨૯ જાન્યુઆરીએ તેમના રિસર્ચની ટીકા કરતો જવાબ પણ આપ્યો હતો. જોકે તેમ છતાં અમેરિકાના અબજોપતિ જ્યૉર્જ સૉરોઝે વડા પ્રધાન મોદી અને તેમની સરકારની અદાણી ગ્રુપ સાથેની સાંઠગાંઠનો આરોપ મૂક્યો હતો. 
સૉરોઝે એવો આરોપ મૂક્યો હતો કે નરેન્દ્ર મોદી દેશમાં હિંદુવાદી સરકાર બનાવવા માગે છે. વળી તેઓ લોકશાહી પ્રક્રિયાથી ચૂંટાઈ આવેલી સરકાર હોવા છતાં મુસ્લિમ બહુમતીવાળા કાશ્મીરમાં આકરાં પગલાંઓ લઈ રહ્યા છે તેમ જ લાખો મુસ્લિમોને નાગરિકતાથી વંચિત રાખવાની ધમકી આપી રહ્યા છે. 

ભારતીય લોકશાહી પર હુમલો : બીજેપી

જ્યૉર્જ સૉરોઝની ટીકા કરતાં બીજેપીએ કહ્યું હતું કે તેઓ વડા પ્રધાન મોદી પર જ નહીં પરંતુ ભારતની લોકશાહી પદ્ધતિ પર હુમલો કરી રહ્યા છે. બીજેપી નેતા અને યુનિયન મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં ભારત પાંચમી સૌથી મોટી ઇકૉનૉમી બની ગઈ છે. જ્યૉર્જ સૉરોઝ મોદીને બદનામ કરવા માટે ૧૦૦ કરોડ જેટલું માતબર દાન પણ આપે છે. 

કોણ છે જ્યૉર્જ સૉરોઝ?

૯૨ વર્ષના જ્યૉર્જ સૉરોઝ એક અબજોપતિ છે. તેમનો જન્મ ૧૯૩૦માં હંગેરીના બુડાપેસ્ટમાં થયો હતો. તેમણે શરૂઆતમાં લંડનની મર્ચન્ટ બૅન્કમાં કામ કર્યું હતું. 
૧૯૫૬માં એ ન્યુ યૉર્ક સિટીમાં ગયા જ્યાં તેમણે યુરોપિયન સિક્યૉરિટીઝના નિષ્ણાત તરીકે કામગીરી કરી હતી. તેમણે વડા પ્રધાન મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની પણ ટીકા કરી છે. 

national news world news united states of america narendra modi gautam adani