થાઇલૅન્ડમાં જુગારની લતથી સિરિયલ કિલર બનેલી મહિલાને ફાંસીની સજા

22 November, 2024 12:14 PM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

આ મહિલાને થાઇલૅન્ડમાં મિસ સાયનાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે મિત્રોની ઠંડે કલેજે હત્યા કરી સિરિયલ-કિલર બની છે

પ્રતીકાત્મક તસવીર

વર્ષ ૨૦૧૫થી આશરે ૧૪ મિત્રોને સાયનાઇડ આપીને મારી નાખનારી થાઇલૅન્ડની ૩૬ વર્ષની મહિલા રંગસિવુથાપોર્ન સારારતને ફાંસીની સજા કરવામાં આવી છે. ઑનલાઇન જુગાર રમવાની લતને કારણે તેણે આમ કર્યું હતું. ૧૪ કેસ પૈકી એક કેસમાં આ સજા જાહેર કરવામાં આવી છે અને બાકીના ૧૩ કેસ પેન્ડિંગ છે.

આ મહિલાને થાઇલૅન્ડમાં મિસ સાયનાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે મિત્રોની ઠંડે કલેજે હત્યા કરી સિરિયલ-કિલર બની છે. તેને તેની સહેલીની હત્યાના કેસમાં ફાંસીની સજા આપવામાં આવી છે.

૨૦૨૩ના એપ્રિલમાં સારારત તેની મિત્ર સિરિપોર્ન ખાનવૉન્ગ સાથે ફરવા ગઈ હતી અને એક નદીના ઘાટ પર માછલીઓને દાણા નાખ્યા બાદ બન્નેએ સાથે જમણ લીધું હતું. જમ્યા બાદ સિરિપોર્નની તબિયત ખરાબ થઈ અને નદીકિનારે જ તડપીને મરી ગઈ હતી. ડૉક્ટરોને તેના શરીરમાંથી સાયનાઇડના અંશ મળી આવતાં સારારતની ધરપકડ કરવામાં આ‌વી હતી. આ જ કેસમાં તેના ભૂતપૂર્વ પતિ અને પોલીસ-લેફ્ટનન્ટને ૧૬ મહિનાની સજા અને તેના વકીલને પણ બે વર્ષની સજા કરવામાં આવી છે.

જુગારની લતે જિંદગી બગાડી

કહે છેને કે જુગારની લત જિંદગી બગાડે છે અને આ કેસમાં એ સત્ય સાબિત થયું છે. સારારતને ઑનલાઇન જુગારની આદત હતી અને એ માટે તે મિત્રો પાસેથી પૈસા લેતી હતી અને તેમના ઘરમાં ચોરી પણ કરતી હતી. જ્યારે કોઈ પૈસા પાછા માગે ત્યારે તે તેમને સાયનાઇડ આપીને મારી નાખતી હતી. 

international news world news thailand Crime News murder case