આઇટી પ્રોફેશનલ માટે ગુડ ન્યુઝ, પહેલી માર્ચથી અમેરિકા સ્વીકારશે એચ૧બી વિઝાની અરજી

30 January, 2023 12:49 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ટેક્નૉલૉજી કંપનીઓ ભારત અને ચીનમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી માટે આ વિઝા પર નિર્ભર છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

વૉશિંગ્ટન : ભારતના આઇટી પ્રોફેશનલ માટે ગુડ ન્યુઝ છે, કારણ કે પહેલી માર્ચથી અમેરિકા ૨૦૨૩-’૨૪ના વર્ષ માટેના એચ૧બી વિઝાની અરજી સ્વીકારવાનું શરૂ કરશે. એચ૧બી વિઝા નૉન-ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકાની કંપનીઓને વિશિષ્ટ વ્યવસાયોમાં કુશળ વિદેશી નાગરિકોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. અમેરિકાની ટેક્નૉલૉજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી માટે આ વિઝા પર નિર્ભર હોય છે. યુએસ સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ)એ જણાવ્યું હતું કે ૧થી ૧૭ માર્ચ દરમ્યાન આ વિઝા માટેની અરજી સ્વીકારશે; જે ટેક્નૉલૉજી, એ​ન્જિનિયરિંગ અને મેડિસિન જેવાં ક્ષેત્રોના નિષ્ણાતોને અમેરિકામાં ૬ વર્ષ સુધી કામ કરવા અને રહેવાની મંજૂરી આપે છે. વળી ૬ વર્ષ બાદ તેમને માટે અમેરિકામાં કાયમી રહેવાસ અથવા ગ્રીન કાર્ડનો માર્ગ ખોલે છે. યુએસસીઆઇએસે કહ્યું કે ‘અમને ૧૭ માર્ચ સુધી પર્યાપ્ત અરજીઓ મળશે તો અમે લૉટરી સિસ્ટમ દ્વારા પસંદગી કરીશું. જો પૂરતી માત્રમાં અરજીઓ ન આવી તો તમામ અરજીઓની ચકાસણી બાદ એને પસંદ કરાશે. ૩૧ માર્ચ સુધી અરજી કરનારાઓને તેમની અરજી વિશે માહિતી આપી દેવામાં આવશે.’ કેટલાક લોકો વિઝાની સંખ્યામાં વધારો કરવાની હિમાયત કરે છે.

international news washington united states of america china india