03 March, 2023 08:24 AM IST | New York | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
ન્યુ યૉર્ક (આઇ.એ.એન.એસ.) ઃ યુએસ બૉર્ડર પેટ્રોલ પોલીસે મિશિગન રાજ્યના અલ્ગોનાક નજીક ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવા માગતા બે ભારતીય સહિત પાંચ વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. ૨૦ ફેબ્રુઆરીએ રિમોટ વિડિયો સર્વેલન્સ સિસ્ટમ પર સેન્ટ કલેર નદીમાં એક બોટને આંતરરાષ્ટ્રીય સરહદને પાર કરતી જોઈ હતી. પરિણામે તરત આ જાણકારી પોલીસને આપવામાં આવી હતી. આ બોટ કિનારા તરફ આવી રહી હતી ત્યારે પોલીસે એને આંતરી લીધી હતી. બોટમાં સવાર પાંચેય જણે કબૂલ્યું હતું કે તેઓ કૅનેડાથી બોટ દ્વારા અહીં આવ્યા હતા. ઠંડીને કારણે બે વિદેશીઓ ધ્રૂજી રહ્યા હતા. વિદેશી નાગરિકોમાં બે ભારતીયો, એક-એક નાઇજીરિયા, મેક્સિકો અને ડોમિનિયન રિપબ્લિકના હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે વિદેશી નાગરિકોને ગેરકાયદે અમેરિકામાં ઘુસાડવા માટે એજન્ટોએ અંધારું અને ઠંડીનો લાભ લેવાનો પ્રયત્ન કર્યો હતો. વળી એ માટે તેમણે લોકોના જીવને પણ જોખમમાં મૂક્યા હતા.