યુએસ કૅપિટલમાં સૌપ્રથમ હિન્દુ-અમેરિકન સમિટ યોજાશે

12 June, 2023 10:16 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકન્સ4હિન્દુઝ પૉલિટિકલ ઍક્શન કમિટી દ્વારા આયોજિત આ સમિટનો હેતુ સંસદસભ્યો સમક્ષ હિન્દુ સમુદાયની ચિંતાઓ રજૂ કરવાનો છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

અમેરિકામાં ભારતીયો રાજનીતિમાં પણ સક્રિય થવા હવે પ્રયાસ કરી રહ્યા છે જેના માટે યુએસ કૅપિટલમાં સૌપ્રથમ હિન્દુ-અમેરિકન સમિટ યોજવા માટે સમગ્ર અમેરિકામાંથી અગ્રણી મૂળ ભારતીયોનું એક ગ્રુપ મળ્યું હતું. આયોજકો અનુસાર આ હિન્દુ સમિટમાં હાઉસના સ્પીકર કેવિન મૅકકાર્થી સહિત કેટલાક લીડર્સ સંબોધશે. 

અમેરિકામાં રહેતા મૂળ ભારતીયોનાં ૨૦થી વધુ સંગઠનો સાથે મળીને તાજેતરમાં રચવામાં આવેલી અમેરિકન્સ4હિન્દુઝ પૉલિટિકલ ઍક્શન કમિટી દ્વારા સંસદસભ્યો સમક્ષ હિન્દુ સમુદાયની ચિંતાઓ રજૂ કરવા માટે ૧૪ જૂને યુએસ કૅપિટલ ખાતે હિન્દુ-અમેરિકન સમિટ યોજાશે. 

ફ્લોરિડા, ન્યુ યૉર્ક, બોસ્ટન, ટેક્સસ, શિકાગો અને કૅલિફૉર્નિયા સહિત સમગ્ર દેશમાંથી ૨૦ હિન્દુ અને ભારતીય સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા લગભગ ૧૩૦ ભારતીય અમેરિકન લીડર્સ આ સમિટ માટે યુએસ કૅપિટલમાં આવશે. આ સંગઠનોનું માનવું છે કે અમેરિકામાં હિન્દુઓ જુદાં-જુદાં સેક્ટર્સમાં સારી કામગીરી કરી રહ્યા છે, પરંતુ તેઓ રાજનીતિમાં ઘણા પાછળ છે.

કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. રોમેશ જાપરાએ કહ્યું હતું કે ‘ઇક્વાલિટી લૅબ્સ અને કૅર જેવાં સંગઠનો હિન્દુઇઝમને નષ્ટ કરવાની કોશિશ કરી રહ્યાં છે. તેઓ હિન્દુવિરોધી ગતિવિધિ કરી રહ્યાં છે એટલા માટે જ અમેરિકામાં રહેતા તમામ હિન્દુઓને એક કરવાનો અમે વિચાર કર્યો.’

hinduism washington united states of america international news