20 March, 2023 11:32 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
ઇમરાન ખાન
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. એક સમયના આ ઑલરાઉન્ડર ક્રિકેટર હવે એક અલગ સેન્ચુરી પૂરી કરવાની નજીક છે. વાસ્તવમાં તેમની વિરુદ્ધના કેસની સંખ્યા વધીને ૯૭ પર પહોંચી છે, જેમાં ભ્રષ્ટાચારનો કેસ મુખ્ય છે.
પાકિસ્તાનની પોલીસે ગઈ કાલે ઇમરાન અને તેમની પાર્ટી પીટીઆઇ (પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ)ના ડઝનેક લીડર્સની વિરુદ્ધ તોડફોડ, સુરક્ષાકર્મીઓ પર હુમલો તેમ જ ઇસ્લામાબાદમાં જ્યુડિશ્યલ કૉમ્પ્લેક્સની બહાર તોફાન મચાવવા બદલ આતંકવાદનો એક કેસ દાખલ કર્યો હતો.
ઇમરાન શનિવારે લાહોરથી તોશખાના કેસમાં કોર્ટની સુનાવણી માટે ઇસ્લામાબાદમાં આવી પહોંચ્યા બાદ ઇસ્લામાબાદ જ્યુડિશ્યલ કૉમ્પ્લેક્સમાં હિંસા ફાટી નીકળી હતી.
આ પણ વાંચો: કૉર્ટ જતી વખતે ઇમરાન ખાનને નડ્યો અકસ્માત, અનેક લોકો ઈજાગ્રસ્ત
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના વર્કર્સ અને પોલીસની વચ્ચે સીધી અથડામણને કારણે પચીસથી વધુ સુરક્ષાકર્મીને ઈજા થઈ હતી. જેને લીધે ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ ઝફર ઇકબાલે અદાલતની સુનાવણી ૩૦મી માર્ચ સુધીમાં મોકૂફ રાખવી પડી હતી. પાકિસ્તાન પોલીસે લાહોરમાં ઇમરાનના ઘરેથી હથિયારો પણ જપ્ત કર્યા છે.
ઇમરાનની પાર્ટી પર બૅન મુકાઈ શકે
પાકિસ્તાનના ગૃહપ્રધાન રાણા સનાઉલ્લાહે હિન્ટ આપી છે કે ઇમરાનની પૉલિટિકલ પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફને પ્રતિબંધિત સંગઠન જાહેર કરવા માટે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી શકે છે. લાહોરમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અનેક ચોંકાવનારી વિગતો બહાર આવ્યા બાદ શાસક પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ આ મામલાની ચકાસણી કરી રહી છે. જોકે તેમણે ખુલાસો કર્યો હતો કે કોઈ પૉલિટિકલ પાર્ટી પર બૅન મૂકવો કે નહીં એનો અંતિમ નિર્ણય તો અદાલત જ લે છે.