અમેરિકામાં પ્રત્યેક કલાકે ૧૦ ભારતીયો ગેરકાયદે ઘૂસણખોરી કરવાના પ્રયાસમાં પકડાય છે

27 October, 2024 06:41 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટે ભારતીયોને કૅનેડાનો રસ્તો ઓછો જોખમી લાગે છે

પ્રતીકાત્મક તસવીર

૧ ઑક્ટોબર ૨૦૨૩થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ના ડેટા પરથી નીકળ્યું આ તારણ : પકડાનારા ભારતીયોમાં પચાસ ટકા ગુજરાતના હોય છે

૧ ઑક્ટોબર ૨૦૨૩થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ના વર્ષ દરમ્યાન અમેરિકાએ ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા આશરે ૨૯ લાખ લોકોને પકડી લીધા હતા. આ ૨૯ લાખ લોકોમાંથી ૯૦,૪૧૫ ભારતીયો હતા અને ભારતીયોની આ સંખ્યામાંથી પચાસ ટકા લોકો ગુજરાતના હતા. આનો અર્થ એ છે કે દર કલાકે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતા ૧૦ ભારતીયોને પકડી લેવામાં આવ્યા છે. જેટલા ભારતીયો પકડાયા એમાંથી અમેરિકા-કૅનેડા બૉર્ડર પર પકડવામાં આવેલા આશરે ૪૩,૭૬૪ ભારતીયોનો સમાવેશ થાય છે.

અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટે ભારતીયોએ રસ્તો બદલ્યો છે. પહેલાં તેઓ મેક્સિકોની બૉર્ડર પરથી અમેરિકામાં ગેરકાયદે એન્ટ્રી લેવાનો પ્રયાસ કરતા હતા. ગયા વર્ષે મેક્સિકો બૉર્ડર પરથી ૪૧,૭૭૦ ભારતીયો પકડાયા હતા પણ આ વર્ષે એની સંખ્યા ઘટીને ૨૫,૬૧૬ થઈ હતી. દુબઈ અને ટર્કી જેવા ટ્રાન્ઝિટ દેશો પર અમેરિકન સત્તાવાળાઓએ નજર રાખતાં મેક્સિકો માર્ગેથી થતી ગેરકાયદે એન્ટ્રી અને માનવતસ્કરી પર રોક લાગી છે.

નવો માર્ગ કૅનેડા
અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટે ભારતીયોને કૅનેડાનો રસ્તો ઓછો જોખમી લાગે છે અને એથી તેમણે મેક્સિકોના ડોન્કી રૂટ ગણાતા માર્ગથી અમેરિકામાં ઘૂસવાના પ્રયાસ ઓછા કરી દીધા છે. ઘણા ગુજરાતીઓ હવે કૅનેડાના રસ્તે અમેરિકામાં ઘૂસણખોરી કરે છે. આવા લોકો કૅનેડામાં વિઝિટર વીઝા લઈને પ્રવેશ કરે છે અને પછી ચાન્સ મળતાં જ અમેરિકામાં ઘૂસણખોરી કરે છે. આ માટે તેઓ ક્યારેક તો લોકલ ટૅક્સીનો પણ ઉપયોગ કરે છે.

સિક્યૉરિટી વધારી
ભારતીયોને કૅનેડાનો રસ્તો ઓછો જોખમી લાગતો હોવા છતાં હવે અમેરિકાએ કૅનેડા બૉર્ડર પર સિક્યૉરિટી વધારી દીધી છે. આમ છતાં એવું માનવામાં આવે છે કે પકડાઈ જાય છે એ સંખ્યા કદાચ ઓછી હશે, કારણ કે ઘણા લોકો અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવામાં સફળ થઈ જાય છે. સૂત્રો જણાવે છે કે ગુજરાતીઓ કૅનેડાના રૂટને વધારે પસંદ કરે છે. જે લોકો પકડાઈ જાય છે તેઓ બીજી વાર પણ ઘૂસણખોરીનો પ્રયાસ કરતા હોય છે. 

 

international news world news canada united states of america america Crime News india