20 November, 2024 01:24 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ, ફ્લૉરિડાની ટ્રાવેલ કંપની વિલા વી રેસિડેન્સિસ એની ક્રૂઝ
અમેરિકામાં પ્રેસિડન્ટપદે ચૂંટાઈ આવેલા ડોનલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ જાન્યુઆરી મહિનાથી શરૂ થવાનો છે ત્યારે તેમની જીતથી નાખુશ અમેરિકનો માટે એક ટ્રાવેલ કંપનીએ જબરો પ્લાન બનાવ્યો છે. એમાં તેઓ ચાર વર્ષ સુધી અમેરિકાની બહાર ક્રૂઝ પર રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવશે. જોકે આ રીતે જીવવા ઇચ્છતા લોકોને આ માટે જબરદસ્ત ખર્ચ કરવો પડશે.
ફ્લૉરિડાની ટ્રાવેલ કંપની વિલા વી રેસિડેન્સિસ એની ક્રૂઝ લાઇનર શિપ વિલા વી ઑડિસી માટે આ ઑફર લઈને આવી છે, જેમાં ટ્રમ્પના વિરોધીઓને આગામી ચાર વર્ષ સુધી અમેરિકામાં નહીં રહેવું પડે. કંપનીએ આ ક્રૂઝ ટ્રાવેલ પ્લાનને ‘સ્કિપ ફૉર્વર્ડ’ નામ આપ્યું છે. એમાં ચાર વર્ષમાં દુનિયાના સાતેય ખંડમાં આ શિપ પ્રવાસ કરશે અને સહેલાણીઓને ૧૪૦થી વધારે દેશમાં ફેરવશે.
ટ્રમ્પનું શાસન ૨૦૨૮માં પૂરું થશે ત્યારે ક્રૂઝ અમેરિકા પાછી ફરશે.
આ ક્રૂઝમાં તમામ લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. લોકો એમાં રહીને કામ કરી શકશે, નોકરી કે બિઝનેસ પણ કરી શકશે. આ રીતે તેઓ એ કદી મહેસૂસ નહીં કરે કે તેઓ અમેરિકામાં ટ્રમ્પના શાસનમાં જીવી રહ્યા છે.
આ કંપનીએ એવી ઑફર કરી છે કે વ્યક્તિ ગમે ત્યારે આ ટ્રિપમાં સફર કરી શકે છે. તેઓ એક વર્ષ, બે વર્ષ કે એનાથી વધારે સમય માટે આ ક્રૂઝ પર રહી
શકે છે.
આ ક્રૂઝ પર સ્વાદિષ્ટ ભોજન ઉપરાંત હાઈ સ્પીડ ઇન્ટરનેટ, સ્વિમિંગ-પૂલ, લાઇબ્રેરી, ઇન્ડોર સ્પોર્ટ્સ, હેલ્થ-ફૅસિલિટી વગેરે સુવિધા ઉપલબ્ધ રહેશે. કંપનીએ કહ્યું છે કે અમે એ સુનિશ્ચિત કરીશું કે જહાજ પર જીવનનો દરેક દિવસ મોજમસ્તીથી ગુજરે અને અમારા દરેક કસ્ટમર માટે એ આરામદાયક રહે.