28 September, 2024 02:40 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ઈલૉન મસ્ક અને તેની મમ્મી
વિશ્વની સૌથી ધનાઢ્ય વ્યક્તિ ટેસ્લા કંપનીના માલિક ઈલૉન મસ્કનાં ૭૬ વર્ષનાં મમ્મી માયે મસ્કે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘મારો પુત્ર ઇલૉન અને ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની એકબીજાને ડેટ કરી રહ્યાં છે એવી અફવાઓ ફેલાવવાનું બંધ કરો. જે સમારોહની વાત થઈ રહી છે એમાં હું મારા પુત્ર સાથે જ બેઠી હતી. મેં પણ જ્યૉર્જિયા સામે પ્રશંસાના ભાવથી જોયું હતું.’
આ મુદ્દે પરિસ્થિતિ વધુ સ્પષ્ટ કરવા માટે માયે મસ્કે એક અન્ય ફોટોગ્રાફ શૅર કર્યો હતો અને લખ્યું હતું કે મેલોની સાથેનો વધુ એક ફોટોગ્રાફ મળ્યો છે, મૂર્ખા જેવા આરોપો લગાવવાનું બંધ કરો.
એક યુઝરે ઈલૉન મસ્ક અને જ્યૉર્જિયા મેલોનીનો એક ફોટોગ્રાફ પોસ્ટ કરીને લખ્યું હતું કે વધુમાં શું થયું હશે એ આપણે જાણીએ છીએ. જોકે આ મુદ્દે માયે મસ્કે કમેન્ટ કરી હતી કે ઇવેન્ટ બાદ હું ઈલૉન મસ્ક સાથે હોટેલમાં ગઈ હતી.
મંગળવારે ન્યુ યૉર્કમાં યોજાયેલી એક ઇવેન્ટમાં ઈલૉન મસ્કના હસ્તે મેલોનીને ઍટલાન્ટિક કાઉન્સિલ ગ્લોબલ સિટિઝન અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એમાં મસ્કે મેલોનીની પ્રશંસા કરતાં તેમને પ્રામાણિક, અધિકૃત અને સાચાં ગણાવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ‘હું એવી વ્યક્તિને અવૉર્ડ આપી રહ્યો છે જે બહારથી તો સુંદર છે, ભીતરથી પણ સુંદર છે. તેમણે ઇટલીનાં વડાં પ્રધાન તરીકે પણ અવિશ્વસનીય કામ કર્યું છે.’
ટેસ્લા ક્લબના ચાહકોએ તેમનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે શું તમને લાગે છે કે આ બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે? ૫૩ વર્ષના ઈલૉન મસ્કે જવાબમાં લખ્યું હતું કે ના, અમે ડેટ કરતાં નથી. તેમણે વધુમાં લખ્યું હતું કે ‘આ ઇવેન્ટમાં હું મારી મમ્મી સાથે ગયો હતો. વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની સાથે કોઈ રોમૅન્ટિક રિલેશનશિપ નથી.’
આ મુદ્દે મેલોનીએ પણ ઇવેન્ટમાં કહ્યું હતું કે ‘મારા વિશે સારા શબ્દો બોલવા માટે હું ઈલૉન મસ્કનો આભાર માનું છું. આપણે જે યુગમાં જીવીએ છીએ એ યુગની તે એક પ્રતિભાશાળી વ્યક્તિ છે.’