15 February, 2023 02:35 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
ગયા વર્ષે ટ્વિટર (Twitter) ખરીદ્યા બાદ એલોન મસ્ક (Elon Musk) સતત ચર્ચામાં હોય છે. તેઓ કંઈકને કંઈક નવું જ કરતા હોય છે. થોડાક સમય પહેલાં તેમણે કહ્યું હતું કે, તેઓ ટ્વિટરના નવા સીઈઓ (CEO)ની શોધમાં છે. હવે તેમણે ટ્વિટરના નવા સીઈઓની જાહેરાત કરી છે. જોકે, ટ્વિટરના નવા સીઈઓ અન્ય કોઈ વ્યક્તિ નહીં પણ એલોન મસ્કનો પાળતુ શ્વાન છે. મસ્કના પાળતુ શ્વાન ફ્લોકી (શિબા ઇનુ)એ ટ્વિટરના સીઈઓની ખુરશી સંભાળી લીધી છે.
એલોન મસ્કના પાળતુ શ્વાન ફ્લોકી ટ્વિટરના સીઈઓની ખુરશી પર બિરાજમાન છે. જેની તસવીર મસ્કે પોતે ટ્વિટ કરી છે.મસ્કે એમ પણ કહ્યું છે કે, અન્ય વ્યક્તિ કરતા આ પોઝિશન પર શિબા પર્ફેક્ટ છે. તેણે ટ્વિટમાં લખ્યું છે કે, ટ્વિટરના નવા સીઈઓ અમેઝિંગ છે.
બીજા ટ્વિટમાં મસ્કે લખ્યું છે, તે નંબર સાથે ખૂબ જ સારો છે. જ્યારે ત્રીજા ફોટોમાં મસ્કે તેના કૂતરાનો સ્ટાઈલિશ ફોટો મૂકીને તેની પ્રશંસા કરી છે.
આ તસવીરોમાં તેના ટેબલ પર એક નાનું લેપટોપ પણ છે, જેના પર ટ્વિટરનો લોગો છે. જ્યારે અન્ય એક ફોટામાં તેણે ટાઈ પણ પહેરેલી છે અને તેના ટેબલ પર ઘણા દસ્તાવેજો પડ્યા છે.
એલોન મસ્કના ટ્વિટ પર લોકો જાતભાતની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
આ પણ વાંચો - મસ્કના રાજમાં ટ્વિટર ઑફિસનું ભાડું ચૂકવી શક્યું નથી
તમને જણાવી દઈએ કે, એલોન મસ્કે ૪૪ બિલિયન ડોલરમાં ટ્વિટર ડીલ પૂર્ણ કર્યા બાદ પરાગ અગ્રવાલને કંપનીએ પડતો મુક્યો હતો. માત્ર ટ્વિટરના પૂર્વ સીઈઓને જ નહીં પરંતુ ટ્વિટરના લીગલ હેડ વિજયા ગડ્ડે અને સીએફઓ નેલ સેગલને પણ કંપનીએ આવજો કહી દીધું હતું.