13 May, 2023 02:57 PM IST | New York | Gujarati Mid-day Correspondent
લિંડા યકરિનો
ઇલૉન મસ્કે ગુરુવારે જણાવ્યું હતું કે ટ્વિટરનું સુકાન સંભાળવા માટે તેમને નવા સીઈઓ માટે એક વ્યક્તિ મળી ગઈ છે. મહિનાઓ પહેલાં જ તેમણે સીઈઓના પદ પરથી હટી જવાનું પ્રૉમિસ આપ્યું હતું.
મસ્કે જણાવ્યું હતું કે ‘નવા સીઈઓ ટ્વિટર ઇન્ક ખાતે આગામી થોડાં અઠવાડિયાંમાં કામગીરી શરૂ કરશે.’ ટ્વિટર ઇન્કનું રિસન્ટલી નામ બદલીને એક્સ કૉર્પ કરવામાં આવ્યું છે. મસ્કે શરૂઆતમાં આ નવા સીઈઓનું નામ જણાવ્યું નહોતું, પરંતુ આખરે તેમણે કન્ફર્મ કર્યું હતું કે એનબીસી યુનિવર્સલના ઍડ્વર્ટાઇઝિંગના હેડ લિંડા યકરિનોની આ પોસ્ટ માટે પસંદગી કરવામાં આવી છે.
મસ્કે એક ટ્વીટમાં લખ્યું હતું કે ‘એ જાહેરાત કરતાં રોમાંચ અનુભવું છું કે એક્સ/ટ્વિટરના નવા સીઈઓ છ અઠવાડિયાંમાં કામગીરી શરૂ કરશે.’ મસ્કે ઑક્ટોબરમાં આ કંપની ખરીદી ત્યારથી ટ્વિટરમાં ખૂબ જ કૅઓસ થયો છે. મસ્કે જણાવ્યું છે કે હવે તેઓ ટ્વિટરના એક્ઝિક્યુટિવ ચૅર અને ચીફ ટેક્નૉલૉજી ઑફિસર રહેશે. જેઓ પ્રોડક્ટ, સૉફ્ટવેર અને સિસ્ટમ ઑપરેશન્સની કામગીરી સંભાળશે.
લિંડા યકરિનો કોણ છે?
લિંડા યકરિનો એક દશક કરતાં વધારે સમયથી એનબીસી યુનિવર્સલ માટે કામ કરે છે. આ કંપનીમાં ઍડ્વર્ટાઇઝિંગ સેલ્સના હેડ તરીકે તેમણે આ કંપનીની ઍડ-સપોર્ટેડ પીકોક સ્ટ્રીમિંગ સર્વિસને લોન્ચ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. યકરિનોએ ટુર્નેર એન્ટરટેઇનમેન્ટમાં ૧૯ વર્ષ કામ કર્યું હતું. તેમણે પેન સ્ટેટ યુનિવર્સિટીમાં લિબરલ આર્ટ્સ અને ટેલિકમ્યુનિકેશનમાં સ્ટડી કર્યો છે. યકરિનોએ ગયા મહિને મિયામીમાં એક ઍડ્વર્ટાઇઝિંગ કૉન્ફરન્સમાં મસ્કનો ઇન્ટરવ્યૂ લીધો હતો.