26 September, 2024 04:13 PM IST | New york | Gujarati Mid-day Correspondent
ઈલૉન મસ્ક, જ્યૉર્જિયા મેલોની
વિશ્વની સૌથી ધનાઢ્ય વ્યક્તિ, ટેસ્લા કંપનીના માલિક ઈલૉન મસ્ક અને ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની શું એકબીજાને ડેટ કરી રહ્યાં છે એવો સવાલ પુછાઈ રહ્યો છે, કારણ કે તાજેતરમાં એક ઇવેન્ટમાં લેવામાં આવેલો તેમનો એક ફોટો સોશ્યલ મીડિયામાં જોરદાર વાઇરલ થયો છે.
મંગળવારે ન્યુ યૉર્કમાં યોજાયેલી આ ઇવેન્ટમાં મસ્કના હસ્તે મેલોનીને ઍટલાન્ટિક કાઉન્સિલ ગ્લોબલ સિટિઝન અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એમાં મસ્કે મેલોનીની પ્રશંસા કરતાં તેમને પ્રામાણિક, અધિકૃત અને સાચાં ગણાવીને કહ્યું હતું કે ‘હંમેશાં રાજકારણીઓ માટે આવું કહી શકાય નહીં. આ એવી વ્યક્તિને અવૉર્ડ આપવાનું સન્માન છે જે બહારથી તો સુંદર છે જ અને ભીતરથી પણ સુંદર છે. તેમણે ઇટલીનાં વડાં પ્રધાન તરીકે પણ અવિશ્વસનીય કામ કર્યું છે.’
જ્યૉર્જિયા મેલોનીએ પણ મસ્કનો આ સુંદર શબ્દો માટે આભાર માન્યો હતો. ત્યાર બાદ ટેસ્લા ક્લબના ચાહકોએ તેમનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે શું તમને લાગે છે કે આ બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે? ૫૩ વર્ષના ઈલૉન મસ્કે જવાબમાં લખ્યું હતું કે ના, અમે ડેટ નથી કરતાં.