30 July, 2024 03:28 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ઇલૉન મસ્ક
ટેસ્લા અને સ્પેસએક્સના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ઇલૉન મસ્કે હાલમાં ગૂગલ પર આરોપ મૂક્યો છે કે એ અમેરિકાના પ્રેસિડન્ટના ઇલેક્શન સાથે ચેડાં કરી રહ્યું છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અને રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડન્ટ તરીકેના ઉમેદવાર ડોનલ્ડ ટ્રમ્પ પર ગૂગલ સર્ચ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનો આરોપ છે. ઇલૉન મસ્ક દ્વારા એક સ્ક્રીનશૉટ શૅર કરવામાં આવ્યો છે જેમાં પ્રેસિડન્ટ ડોનલ્ડ નામ સર્ચ કરતાં ડોનલ્ડ ડક અને અમેરિકાના ૪૦મા પ્રેસિડન્ટ ડોનલ્ડ રિગનનું નામ આવે છે. ડોનલ્ડ ટ્રમ્પનું નામ ક્યાંય દેખાતું નહોતું. આ સ્ક્રીનશૉટ શૅર કરીને ઇલૉન મસ્કે ટ્વીટ કર્યું હતું કે ‘ગૂગલે પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના નામને સર્ચ કરવા પર પ્રતિબંધ મૂક્યો હોય એવું લાગી રહ્યું છે. ઇલેક્શનમાં દખલગીરી કરવામાં આવી રહી છે? જો તેઓ ઇલેક્શનમાં દખલગીરી કરી રહ્યા હોય તો તેઓ ખૂબ મોટી મુસીબતને આમત્રંણ આપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.’