06 February, 2023 08:21 AM IST | Ankara | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
તુર્કી (Turkey)ના નુરદાગીથી 23 કિમી પૂર્વમાં ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા છે. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 માપવામાં આવી છે. આ ભૂકંપ દક્ષિણ તુર્કીમાં આવ્યો છે. બીએનઓ ન્યૂઝ અનુસાર, અહીં ઘણા એપાર્ટમેન્ટ અને ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. જાન-માલનું ભારે નુકસાન થયું હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. જોકે, હજુ સુધી આ બાબતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ભૂકંપ સ્થાનિક સમયાનુસાર સવારે 4.17 કલાકે લગભગ 17.9 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. તે જ સમયે, યુએસ જિયોલોજિકલ સર્વિસનું કહેવું છે કે સોમવારે દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ નજીક 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે તુર્કી અને સીરિયામાં મોટા નુકસાનના સમાચાર સામે આવ્યા છે.
તુર્કીમાં હાઈ એલર્ટ જાહેર
એક સ્થાનિક ન્યૂઝ એજન્સી અનુસાર, તુર્કીના ગૃહ મંત્રાલયનું કહેવું છે કે શક્તિશાળી ભૂકંપ બાદ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર આના ઘણા વીડિયો પણ સામે આવી રહ્યા છે. આ વીડિયોમાં ભૂકંપને કારણે થયેલા નુકસાનને સ્પષ્ટપણે જોઈ શકાય છે.
આ પણ વાંચો: હવે લૅટિન અમેરિકામાં બીજું ચાઇનીઝ સ્પાય બલૂન જોવા મળ્યું
ઘણી ઇમારતો ધરાશાયી થવાની અને કાટમાળમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. આ ભયંકર ઘટનાને કારણે નાસભાગ મચી ગઈ છે. સ્થાનિક પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ છે.