21 November, 2022 03:03 PM IST | Jakarta | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઈન્ડોનેશિયા (Indonesia)માં ફરીવાર ભૂકંપ (Earthquake)ના આંચકાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. સોમવારે અહીં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6ની તીવ્રતા માપવામાં આવી છે. આ જોરદાર આંચકા કેટલીક સેકન્ડો સુધી અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ જાવાના સિયાનુજરમાં જમીનથી લગભગ 10 કિલોમીટર દૂર હતું.
હવામાન અને ભૂ-ભૌતિક એજન્સીએ કહ્યું કે હાલમાં સુનામીનો કોઈ ખતરો નથી. ભૂકંપ એટલો ગંભીર હતો કે તેમાં અત્યાર સુધીમાં લગભગ 20 લોકોનાં મોત થયા છે. એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. આ સિવાય 300થી વધુ લોકો ઘાયલ છે, જેમની સારવાર ચાલી રહી છે.
રોઇટર્સના સમાચાર અનુસાર, જ્યારે જકાર્તામાં આ ભૂકંપ આવ્યો ત્યારે ઘણા લોકો તેમની ઑફિસમાં કામ કરી રહ્યા હતા. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ઘણી ઇમારતો ધ્રૂજવા લાગી, જેના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના કારણે ઈમારતોમાં રાખવામાં આવેલ ફર્નિચર પણ તેની જગ્યાએથી ખસવા લાગ્યું હતું. 22 વર્ષની એક વકીલે પોતાની આંખે જોયેલું ભયાનક દૃશ્ય વર્ણવતા કહ્યું કે કેવી રીતે લોકો એટલા ગભરાઈ ગયા હતા કે તેઓ બહાર નીકળવાના રસ્તા શોધતા હતા. તે જલદી બિલ્ડિંગમાંથી બહાર નીકળવા માગતા હતા.
2 દિવસ પહેલાં પણ આવ્યો હતો જોરદાર ભૂકંપ
આ પહેલા પશ્ચિમ ઈન્ડોનેશિયામાં શુક્રવારે રાત્રે સમુદ્રની નીચે જોરદાર ભૂકંપ આવ્યો હતો, પરંતુ કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS)એ અહેવાલ આપ્યો છે કે ભૂકંપની તીવ્રતા 6.9 હતી, જ્યારે તેનું કેન્દ્ર દક્ષિણ બેંગલુરુથી 202 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં 25 કિલોમીટરની ઊંડાઈએ હતું.
આ પણ વાંચો: Google Doodle: આ મહિલાએ બનાવ્યો છે દરિયાની સપાટીનો પ્રથમ વિશ્વ નકશો