07 October, 2024 08:31 AM IST | Washington | Jigisha Jain
ડૉ. મિનિતા સંઘવી, તેમનાં વાઇફ અને તેમણે દત્તક લીધેલું ઇન્ડિયન-અમેરિકન બાળક.
અમેરિકાની સેનેટની ચૂંટણી લડી રહેલાં ડૉ. મિનિતા સંઘવી જીતી જશે તો ન્યુ યૉર્ક સ્ટેટ સેનેટમાં સ્થાન પામનાર પ્રથમ ભારતીય અમેરિકન મહિલા બનશે : LGBTQ સમુદાયનાં પહેલાં સદસ્ય હશે જે આટલા ઉચ્ચ હોદ્દા પર ચૂંટાઈને આવશે : માનવ-અધિકાર માટે સદા લડત આપતાં ડૉ. મિનિતા સંઘવી લેખિકા અને શિક્ષણવિદ પણ છે
મુંબઈમાં જન્મેલાં અને અહીં જ ભણીને અમેરિકામાં છેલ્લાં ૨૩ વર્ષથી સ્થાયી થયેલાં ૪૭ વર્ષનાં ડૉ. મિનિતા સંઘવી હાલમાં આપણી રાજ્યસભા જેવી અમેરિકાની સેનેટની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે ઊભાં રહ્યાં છે. આ ચૂંટણીમાં જીતી જશે તો નવેમ્બરમાં ન્યુ યૉર્ક સ્ટેટ સેનેટમાં સ્થાન પામનાર પ્રથમ ભારતીય અમેરિકન મહિલા બનશે એટલું જ નહીં, LGBTQ એટલે કે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વીઅર સમુદાયનાં પહેલાં સદસ્ય હશે જે આટલા ઉચ્ચ હોદ્દા પર ચૂંટાઈને આવશે. છેલ્લાં ૧૦ વર્ષથી તે સારાટોગા સ્પ્રિંગ નામના શહેરમાં રહે છે જે ન્યુ યૉર્ક શહેરથી ત્રણ કલાક દૂર છે. આ શહેરનાં તેઓ સિટી કાઉન્સિલ મેમ્બર છે.
ડૉ. મિનિતા સંઘવીએ મુંબઈમાં એન. એમ. કૉલેજમાંથી ગ્રૅજ્યુએશન કર્યું અને એ પછી NMIMS એટલે કે નરસી મોનજી ઇન્સ્ટિટ્યૂટ ફૉર મૅનેજમેન્ટ સ્ટડીઝમાંથી MBA કર્યું. એ પછી ૨૦૦૧માં તેઓ અમેરિકા ગયાં. અમેરિકા જવાનું કારણ જણાવતાં મિનિતા કહે છે, ‘હું ગે છું અને ભારતમાં ગે મૅરેજ થતાં નહોતાં. મારા ઘરની વ્યક્તિઓને એ સમયે ખબર નહોતી. જો હું અહીં જ રહી હોત તો મારાં લગ્ન કરાવી દેત એટલે હું અમેરિકા જતી રહી. અમેરિકા ગઈ એ પછીનાં વર્ષોમાં મારા ઘરમાં બધાને ખબર પડી. તેમને સ્વીકારતાં થોડો સમય લાગ્યો, પરંતુ તેઓ મને ધીમે-ધીમે સમજી શક્યા. આજે મારો પરિવાર મારી તાકાત છે. તેમણે મને ઘણો સપોર્ટ કર્યો છે.’
અમેરિકામાં તેમણે યુનિવર્સિટી ઑફ ઍરિઝોનામાંથી રીટેલિંગ અને કન્ઝ્યુમર સાયન્સમાં ફરી માસ્ટર્સ કર્યું. એ પછી યુનિવર્સિટી ઑફ નૉર્થ કૅરોલિના, ગ્રીન્સબરોમાંથી PhD કરીને ડૉક્ટરની પદવી હાંસલ કરી. એ દરમિયાન ડ્યુક યુનિવર્સિટીમાંથી તેમણે ફેમિનિસ્ટ સ્ટડીઝમાં સર્ટિફિકેટ મેળવ્યું. હાલમાં તેઓ સ્કિડમોર કૉલેજમાં અસોસિએટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. બિઝનેસ મૅનેજમેન્ટમાં આટલાં આગળ વધ્યા પછી પૉલિટિક્સ કઈ રીતે સૂઝ્યું એ પ્રશ્નનો જવાબ આપતાં મિનિતા કહે છે, ‘ભણતાં-ભણતાં હું યુનિવર્સિટીમાં જૉબ પણ કરતી હતી અને એ સમયે લાઇબ્રેરી બોર્ડમાં સિલેક્ટ થઈ હતી. એ પછી ધીમે-ધીમે હું આગળ વધતી ગઈ. આજે હું સિટી કાઉન્સિલ મેમ્બર છું. હું તો માનું છું કે બિઝનેસ મૅનેજમેન્ટની રીતે બજેટ પ્લાન કરવાનું જેને સમજાતું હોય એ વ્યક્તિ જ સારી રાજકારણી બની શકે છે.’
મિનિતા રિપબ્લિકન જેમ્સ ટેડિસ્કો સામે નવેમ્બર ૨૦૨૪ની ચૂંટણીમાં ડેમોક્રૅટિક પાર્ટીનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. એ પહેલાં અમેરિકા જઈને તેમણે માનવ-અધિકાર અને અધિકારોમાં સમાનતાની ઘણી લડતો લડી છે. ત્યાં પણ સેમ-સેક્સનાં મૅરેજ પર બૅન લગાવવા માટે એક પ્રપોઝલ આવી હતી જેના વિરુદ્ધ તેઓ લડ્યાં હતાં. એ પછી નૉર્થ કૅરોલિનામાં હ્યુમન રાઇટ્સ કૅમ્પેન અને ગિલ્ફર્ડ ગ્રીન ફાઉન્ડેશનના બોર્ડ ઑફ ગવર્નર તરીકે તેમણે કામ કર્યું. પોતાના અંગત જીવન વિશે વાત કરતાં મિનિતા સંઘવી કહે છે, ‘મેં અહીં એક અમેરિકન છોકરી સાથે લગ્ન કર્યાં છે. અમે એક ઇન્ડિયન-અમેરિકન બાળક દત્તક લીધું છે. હું મારા પરિવાર સાથે દર વર્ષે એક વાર મુંબઈ આવું છું. ઘણી વાર નસીબ સારાં હોય તો વર્ષમાં બે વાર પણ આવી શકું છું. હું ઇચ્છું છું કે મારો દીકરો ભારતથી કનેક્ટેડ રહે. વ્યક્તિ ગે હોય કે સ્ટ્રેટ, અંતે તેનાં અરમાન એ જ હોય છે કે તેનો એક પ્રેમાળ પરિવાર હોય, એક ઘર હોય જ્યાં કામ પરથી ઘરે જવાની તેને ઇચ્છા થાય. પરિવાર તમને પ્રેમ, હૂંફ અને સુરક્ષાની ભાવના આપે છે. કારણ કે તમે ગે છો તો તમને આ ભાવના અનુભવવા નહીં મળે એ ક્યાંનો ન્યાય છે?’
જો ચૂંટાઈ ગયાં તો એક ભારતીય-અમેરિકન તરીકે તે પહેલાં સેનેટ મેમ્બર હશે. મિનિતાનો પરિવાર મૂળ રાજુલાનો છે. શ્રી દ્વારકાદાસ જીવનલાલ સંઘવી તેમના દાદા હતા જે નામી બિઝનેસમૅન હતા. તેમના નામે ટ્રસ્ટ પણ ચાલે છે. મિનિતાનાં માતા-પિતા નીતાબહેન અને જયંતભાઈ પણ સમાજસેવાનું ઘણું કાર્ય કરી રહ્યાં છે. મિનિતાના અમેરિકા ગયા પછી તેમના દાદાનો દેહાંત થયો હતો. તેમની જોડે અનેરું કનેક્શન ધરાવતાં મિનિતા કહે છે, ‘મારી ઑફિસમાં મારો અને બાપુજી (દાદા)નો ફોટો મેં રાખ્યો છે. તેઓ હંમેશાં મારી તાકાત બનીને મારી સાથે રહે છે. જો તેઓ રાજુલા જેવી નાની જગ્યામાંથી બહાર નીકળીને રંગૂન, કલકત્તા કે મુંબઈ ન ગયા હોત તો અમે આજે આટલું ભણી-ગણીને આગળ ન વધી શક્યા હોત.’
જે લોકો મને ઓળખે છે તેમને પહેલેથી જ લાગતું કે હું એક લીડર છું. સાચું કહું તો મમ્મીએ હંમેશાં મને સત્ય માટે ઊભાં રહેતાં શીખવ્યું. કોઈ જગ્યાએ સત્ય સાથે મેં કૉમ્પ્રોમાઇઝ કરતાં નથી શીખ્યું. આ સિવાય પહલેથી હું ખૂબ જવાબદારી નિભાવવાવાળી વ્યક્તિ હતી. સ્કૂલો અને કૉલેજોમાં કેટલીયે ઇવેન્ટ્સ ઑર્ગેનાઇઝ કરતી, મૅનેજ કરતી, પ્રેસિડન્ટ બની ફન્ડ ઉઘરાવતી; આવાં બધાં કામો ખૂબ ઉત્સાહથી મેં કર્યાં છે. એ સમયના બધા લોકો જ્યારે આજે મને રાજકારણી તરીકે જુએ છે તો તેમને નવાઈ નથી લાગતી. - મિનિતા સંઘવી
રાજકારણમાં કેમ આવ્યાં?
મિનિતા લેખિકા પણ છે. રાજકારણ, સ્ત્રીઓ, મૅનેજમેન્ટ અને લેસ્બિયન રોમૅન્સ પર એક કાલ્પનિક કથા જેવા જુદા-જુદા વિષયો પર તેમણે પુસ્તકો લખ્યાં છે. ભારત અને અમેરિકાના રાજકારણમાં તમને કોઈ સમાનતા દેખાય છે? આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, ‘ઘણી સમાનતા છે. અહીં પણ લોકો રાજકરણીઓને પસંદ નથી કરતા અને તેમના પર વિશ્વાસ નથી કરતા. પણ હકીકત એ છે કે સારા લોકોને રાજકારણમાં આવવું જ નથી. આપણી પાસે જે ચૉઇસ છે એમાં પસંદ કરવા લાયક જ કશું ન હોય તો લોકશાહીનો પણ અર્થ સરતો નથી. જનતાને નેતા માટે સારી ચૉઇસ મળી રહે એ માટે પણ ભણેલા-ગણેલા હોશિયાર લોકોએ રાજકારણમાં આવવું જ જોઈએ. આ વિચાર સાથે જ હું રાજકારણમાં આવી છું.’