ટ્રમ્પ પર થયેલા અટૅકના સ્લો મોશનના વિડિયો સોશ્યલ મીડિયામાં થયા વાઇરલ

16 July, 2024 08:15 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ટેલીપ્રૉમ્પ્ટર વિના ભાષણ આપવાને કારણે બચી ગયા, મોટી સ્ક્રીન પરનો ચાર્ટ જોવા જરાક માથું હલાવ્યું અને ગોળી નિશાન ચૂકી

ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ હંમેશાં ટેલીપ્રૉમ્પ્ટરની મદદથી જ ભાષણો આપતા હોય છે, પણ પે​ન્સિલ્વેનિયાના બટલરમાં યોજાયેલી રૅલીમાં તેમણે ટેલીપ્રૉમ્પ્ટર વિના ભાષણ આપવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ભાષણ આપવાની શરૂઆત કરી અને આશરે છ મિનિટ બાદ તેમણે પોતાની સામે રાખેલી કોઈ વિગત જોવા માટે જરાક માથું હલાવ્યું એને કારણે તેમનો જીવ બચી ગયો હતો. સોશ્યલ મીડિયામાં તેમના પર થયેલા હુમલાના વિડિયો સ્લો મોશનમાં મૂકવામાં આવી રહ્યા છે અને એમાં સ્પષ્ટ દેખાય છે કે તેઓ જરાક જ હલ્યા અને એ સમયે તેમને નિશાન બનાવીને છોડવામાં આવેલી ગોળી તેમના જમણા કાનના ઉપરના ભાગને વીંધીને નીકળી ગઈ હતી. ઘણા યુઝર્સે લખ્યું હતું કે જો ટ્રમ્પે જરાક માથું ન હલાવ્યું હોત તો બુલેટ તેમના માથાના જમણા ભાગમાં વાગી હોત અને એ જીવલેણ બની શકી હોત.

ચાર્ટે જીવ બચાવ્યો

હુમલાની ઘટનાના સ્લો મોશનના વિડિયોના સંદર્ભમાં ડોનલ્ડ ટ્રમ્પે વાઇટ હાઉસના ડૉક્ટર રૉની જૅક્સનને જણાવ્યું હતું કે જો ભાષણ કરતી વખતે મેં જરાક માથું ન હલાવ્યું હોત તો ગોળી મારા મગજમાં જ ઘૂસી ગઈ હોત. આ મુદ્દે વિગત આપતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ‘રૅલીના સ્થળે બિગ સ્ક્રીન પર દર્શાવવામાં આવી રહેલા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના આંકડા જોવા માટે મેં માથું ફેરવ્યું હતું અને એને કારણે મારો જીવ બચી ગયો હતો. જે ચાર્ટને જોવા માટે મેં માથું ફેરવ્યું એને કારણે મારો જીવ બચી ગયો.’

હું મરી ગયો હોત : ડોનલ્ડ ટ્રમ્પ

હુમલા બાદ સ્વસ્થ થયા પછી મિલ્વાઉકીમાં રિપબ્લિકન પાર્ટીના કન્વેન્શનમાં જતી વખતે વિમાનમાં ન્યુ યૉર્ક પોસ્ટને આપેલી મુલાકાતમાં ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે મારી હત્યાનો પ્રયાસ થયો છે. આ અતિવાસ્તવિક અનુભવ છે જે મેં અનુભવ્યો છે, પણ નસીબથી અને ભગવાનની કૃપાથી હું બચી ગયો છું. ઘણા લોકો કહે છે કે ભગવાનની દયાથી તમે જીવિત છો. સીક્રેટ સર્વિસના એજન્ટોએ શૂટરના માથામાં બે આંખની વચ્ચે ગોળી મારીને તેને મારી નાખ્યો છે. તેમણે ફૅન્ટાસ્ટિક કામ કર્યું છે.

આઇકૉનિક ફોટો

ટ્રમ્પના જમણા કાન પર ગોળી વાગી છે અને મોં પર લોહી વહી રહ્યું છે એવો ફોટોગ્રાફ વિશ્વભરનાં ન્યુઝપેપર્સમાં પહેલા પાને પ્રકાશિત થયો છે એ મુદ્દે બોલતાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘ઘણા લોકો કહી રહ્યા છે કે આ આઇકૉનિક ફોટો છે જેમણે એ પહેલી વાર જોયો છે. આ સાચી વાત છે, હું મર્યો નથી. આવા આઇકૉનિક ફોટોગ્રાફ માટે તમારે મરવું પડે છે. રિપબ્લિકન કન્વેન્શન માટે મેં જે સ્પીચ તૈયાર કરી હતી એને મેં બદલી નાખી છે. હું બાઇડનના હૉરિબલ પ્રશાસનને ટાર્ગેટ કરવાનો હતો, પણ હવે હું દેશને એક કરવા માટેની વાત કરીશ; જોકે મને ખબર નથી કે એ થશે કે નહીં, કારણ કે લોકો હવે વિભાજિત થયા છે.!

ટ્રમ્પ પરનો હુમલો પૂર્વનિયોજિત હોવાની પોસ્ટને મળ્યા લાખો વ્યુ

ડોનલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ હવે સોશ્યલ મીડિયામાં ષડ્યંત્રની વિવિધ થિયરીઓ બહાર આવી રહી છે. આ હુમલો જાણીજોઈને કરાવવામાં આવ્યો હોવાનું અને સહાનુભૂતિ મેળવવા કરાયો હોવાનું એમાં જણાવવામાં આવી રહ્યું છે. એમ જણાય છે કે ટ્રમ્પના વિરોધીઓ આવી વાતો સોશ્યલ મીડિયામાં કરી રહ્યા છે. હુમલાની થોડી મિનિટો બાદ સોશ્યલ મીડિયામાં સ્ટેજ્ડ શબ્દ ટ્રેન્ડિંગ થઈ ગયો હતો.

સોશ્યલ મીડિયામાં એક જ સવાલ પુછાઈ રહ્યો છે કે ‘આવો હુમલો કેવી રીતે થઈ શકે, આ પૂર્વનિયોજિત છે. જે લોકો ટ્રમ્પની સભામાં આવ્યા હતા તેમણે દોડાદોડી કરી નથી અને ગભરાયા પણ નથી. ભીડમાંથી કોઈએ ગનશૉટ પણ સાંભળ્યા નથી.’ આ પોસ્ટને લાખો વ્યુ મળ્યા છે.

હુમલા બાદ ટ્રમ્પની મુઠ્ઠી વાળેલી જે તસવીરો આવી છે એમાં પાછળ અમેરિકાનો ફ્લૅગ દેખાય છે એટલે લોકો પૂછી રહ્યા છે કે આટલો પર્ફેક્ટ શૉટ કેવી રીતે ફોટોગ્રાફરોને મળ્યો? આ પોસ્ટને પણ લાખો વ્યુ મળ્યા હતા.

અટૅકની થોડી મિનિટો પહેલાં હુમલાખોર વિશે અધિકારીઓને જાણ કરવામાં આવી હોવાનો દાવો

ટ્રમ્પ પર થયેલા હુમલાની થોડી મિનિટો પહેલાં બે વિટનેસોએ હુમલાખોર વિશે સીક્રેટ સર્વિસના અધિકારીઓને જાણ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

બેન મેસર નામના વિટનેસે કહ્યું હતું કે ‘હું ફેન્સલાઇન પાસે ઊભો હતો અને મેં હુમલાખોરને છત પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો જોયો હતો. મેં સીક્રેટ સર્વિસના એક અધિકારીને પણ કહ્યું હતું કે ટ્રમ્પ જ્યાંથી ભાષણ કરી રહ્યા છે એનાથી ૨૦૦થી ૨૫૦ યાર્ડના અંતર પર એક માણસ હાથમાં હથિયાર લઈને છત પર ફરી રહ્યો છે. અધિકારીને કહીને હું મારી જગ્યા પર જતો હતો ત્યારે જ ગનશૉટ સંભળાયા હતા અને હુમલો થઈ ચૂક્યો હતો.’

ફેન્સલાઇન પર ઊભા રહેલા બટલર ગામના રહેવાસી રાયન નાઇટે પણ શૂટરને અમેરિકન ગ્લાસ રિસર્ચ બિલ્ડિંગની છત પર જોયો હતો. તેમણે કહ્યું કે ‘શૂટર એવા સ્થળે હતો જ્યાંથી એ પોડિયમ પર ટ્રમ્પને નિશાન લગાવી શકે. મેં તેને જોયો ત્યારે તેના હાથમાં ગન હતી. મને થયું કે આ છત પર તો સીક્રેટ સર્વિસના અધિકારીઓ હોવા જોઈએ, પણ શૂટર હતો. તેણે ટ્રમ્પ પર ફાયર કર્યું અને સેકન્ડોમાં સીક્રેટ સર્વિસના અધિકારીઓએ તેને ઉડાવી દીધો હતો. સીક્રેટ સર્વિસના અધિકારીઓએ મારું નામ અને નંબર લીધાં હતાં અને મને વિટનેસ બનાવ્યો હતો.’

શૂટરને હાઈ સ્કૂલે રાઇફલ ટીમ માટે રિજેક્ટ કરેલો

ડોનલ્ડ ટ્રમ્પ પર ગોળીઓ છોડનારા ૨૦ વર્ષના શૂટર થૉમસ મૅથ્યુ ક્રુક્સે તેની હાઈ સ્કૂલની રાઇફલ ટીમમાં જોડાવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેને રિજેક્ટ કરી દેવામાં આવ્યો હતો. તેણે માત્ર ૨૦ મીટર દૂરના ટાર્ગેટને પણ મિસ કર્યો હતો. 

donald trump united states of america international news world news