ડોનલ્ડ ટ્રમ્પ મુસીબતમાં! યૌન શોષણ કેસમાં દોષી, ૪૧ કરોડ દંડ ભરવો પડશે

10 May, 2023 12:29 PM IST  |  New York | Gujarati Mid-day Online Correspondent

૧૯૯૦ના દાયકામાં જર્નલિસ્ટના કેસમાં ડોનલ્ડ ટ્રમ્પ દોષિત ઠેરવ્યા

ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

અમેરિકા (America)ના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને ન્યૂયોર્ક (New York)ની અદાલતે એક મોટો આંચકો આપ્યો છે. કોર્ટે ટ્રમ્પને યૌન શોષણ કેસમાં દોષિત ઠેરવ્યા છે અને તેમના પર યૌન શોષણ અને માનહાનિ માટે $50 મિલિયન એટલે કે ૪૧ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કેસ ૧૯૯૦ના દાયકામાં મેગેઝિનના કટારલેખક ઇ. જીન કેરોલ (Elizabeth Jean Carroll)ના જાતીય હુમલાનો છે.

ન્યૂયોર્ક જ્યુરીએ મંગળવારે મેગેઝિનના કટારલેખક ઇ. જીન કેરોલના જાતીય હુમલા અને માનહાનિના કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા હતા. આ કિસ્સામાં, ટ્રમ્પને વળતર તરીકે ૪૧ કરોડ રુપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, જ્યુરીએ બળાત્કારના આરોપને ફગાવી દીધો હતો. પરંતુ લગભગ ત્રણ કલાકની ચર્ચા પછી અને કેરોલની બાબતને સમજ્યા પછી તેની અન્ય ફરિયાદો માન્ય રાખવામાં આવી હતી.

એલે મેગેઝિનના ૭૯ વર્ષીય લેખક કેરોલે ગયા વર્ષે ટ્રમ્પ પર દાવો માંડ્યો હતો અને આરોપ મૂક્યો હતો કે, ડોનાલ્ડ ટ્રમ્પે ૧૯૯૬માં મેનહટનના ફિફ્થ એવન્યુ પર લક્ઝરી બર્ગડોર્ફ ગુડમેન સ્ટોરના ચેન્જિંગ રૂમમાં તેમની સાથે બળાત્કાર કર્યો હતો. આગામી વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન નોમિનેશનની રેસમાં આગળ રહેલા ટ્રમ્પે તેમની સામેના કેસને કપટપૂર્ણ અને ખોટો ગણાવ્યો હતો. કેરોલે કહ્યું હતું કે, આ વાતને બહાર લાવવામાં વીસ વર્ષ કરતાં પણ વધુ સમય લાગ્યો કારણકે તેને ટ્રમ્પનો ભય હતો.

આ પણ વાંચો – હવે ટ્રમ્પને હાથકડી પહેરાવવામાં આવશે?

આ કેસમાં કેરોલના વકીલોએ અન્ય બે મહિલાઓને સાક્ષી આપવા માટે બોલાવ્યા જેમણે જુબાની આપી હતી કે ટ્રમ્પે દાયકાઓ પહેલા તેમની સાથે જાતીય હુમલો કર્યો હતો. ભૂતપૂર્વ બિઝનેસવુમન જેસિકા લીડ્સે મેનહટનની ફેડરલ કોર્ટને જણાવ્યું હતું કે ટ્રમ્પે ૧૯૭૦ના દાયકામાં ફ્લાઇટના બિઝનેસ ક્લાસ સેક્શનમાં તેણીને પકડી લીધી હતી. પત્રકાર નતાશા સ્ટોયનોફે કહ્યું કે, ટ્રમ્પે ૨૦૦૫માં તેમની માર-એ-લાગો એસ્ટેટમાં એક મુલાકાત દરમિયાન તેમની સંમતિ વિના તેમને ચુંબન કર્યું હતું.

આ પણ વાંચો – અમેરિકાને ફરી મહાન બનાવીશું : ટ્રમ્પ

તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૬ની ચૂંટણી પહેલા લગભગ એક ડઝન મહિલાઓએ ટ્રમ્પ પર જાતીય ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો. જોકે ટ્રમ્પે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. ટ્રમ્પે કેસની કાર્યવાહી દરમિયાન સાક્ષી આપી ન હતી અને ન તો તેમની બચાવ ટીમે કોઈ સાક્ષીઓને બોલાવ્યા હતા. તેમનો એક વીડિયો જ્યુરીને બતાવવામાં આવ્યો હતો. તેમાં ટ્રમ્પે કેરોલને જૂઠ્ઠા અને બીમાર કહ્યા હતા. ટ્રમ્પના વકીલોએ દલીલ કરી હતી કે કેરોલે આ આરોપો પૈસા માટે, રાજકીય કારણોસર કર્યા હતા.

international news donald trump united states of america